
નવી દિલ્હી : ભારત સાથે જોડાયેલો એક ડેટા ઇન્ટરનેટ પર લીકની માહિતી પ્રકાશમાં આવી છે. જેમાં ભારતીય બેંકોના ટ્રાન્ઝેક્શન રેકોર્ડ ઇન્ટરનેટ પર લીક થયા છે. આ અંગે મળતી માહિતી મુજબ આ ડેટા અસુરક્ષિત એમેઝોન S3 કલાઉડ સર્વરમાંથી લીક થયો છે.
આ લીકમાં બેંકના ખાતેદારોના નામ, એકાઉન્ટ નંબર, વ્યવહારની રકમ અને કોન્ટેક્ટની માહિતી સામેલ છે. આ અંગે સાયબર સુરક્ષા કંપની અપગાર્ડ દ્વારા દાવા કરવામાં આવ્યો છે.
સર્વર પર આશરે 273,000 PDFફાઇલો મળી આવી
આ અંગે સાયબર સુરક્ષા કંપની અપગાર્ડ દ્વારા ઓગસ્ટ માસમાં અંતમાં ડેટા લીક અંગે માહિતી મેળવી હતી . જેમાં જાણવા મળ્યું હતું કે એમેઝોન-હોસ્ટેડ સ્ટોરેજ સર્વર પર આશરે 273,000 PDF ફાઇલો મળી આવી હતી. આ અંગે સંશોધકોના મતે લીક થયેલા ડેટામાં ભારતીય ગ્રાહકોના બેંક ટ્રાન્સફર રેકોર્ડનો સમાવેશ થતો હતો.
આમાંની મોટાભાગની ફાઇલો નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ સાથે જોડાયેલી હતી. આ એક કેન્દ્રિય સિસ્ટમ છે જેનો ઉપયોગ બેંકો દ્વારા મોટા પાયે પગાર ટ્રાન્સફર, લોન ચુકવણી અને વીજળી અને પાણીના બિલ જેવી નિયમિત ચુકવણી માટે થાય છે.
38 બેંકો અને નાણાકીય સંસ્થાઓનો ડેટા
અપગાર્ડના મતે, આ ડેટા ઓછામાં ઓછી 38 બેંકો અને નાણાકીય સંસ્થાઓનો હતો. મોટાભાગના દસ્તાવેજોમાં એઈ ફાયનાન્સ દેખાયું હતું. ઘણા દસ્તાવેજોમાં એસબીઆઈનો પણ ઉલ્લેખ હતો.
એનપીસીઆઈએ કહ્યું સિસ્ટમ સુરક્ષિત
જયારે આ અંગે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે, અમારી સિસ્ટમ સુરક્ષિત છે, કોઈ ડેટા લીક થયો નથી. જોકે, સપ્ટેમ્બરની શરૂઆત સુધી ડેટા ઇન્ટરનેટ પર ખુલ્લો રહ્યો છે. તેમજ દરરોજ નવી ફાઇલો ઉમેરવામાં આવી રહી હતી. જેની બાદ તમામ સર્વર સુરક્ષિત કરવામાં આવ્યા છે. આ અંગે કોઈપણ બેંક કે નાણાકીય સંસ્થાએ કોઈ જાહેરાત નથી કરી. તેમજ જવાબદારી લેવાનું ટાળ્યું છે.
આ પણ વાંચો…સર્વિસ ચાર્જને લઈને RBIએ બેંકોને આપ્યો મહત્ત્વનો નિર્દેશ, ગ્રાહકોને મળશે મોટી રાહત