ભારતીય એથ્લેટ્સ સાબલે અને પારૂલ અમેરિકામાં મેળવશે ટ્રેનિંગઃ સરકાર ઉઠાવશે તમામ ખર્ચ
નવી દિલ્હીઃ રમત મંત્રાલયે સોમવારે એશિયન ગેમ્સમાં મેડલ વિજેતા દોડવીરો અવિનાશ સાબલે અને પારુલ ચૌધરીની અમેરિકાના કોલોરાડોમાં ટ્રેનિંગ મેળવવાની વિનંતીને મંજૂરી આપી હતી. સરકારે કુસ્તીબાજો અંશુ મલિક અને સરિતા મોરને અનુક્રમે જાપાન અને અમેરિકામાં તાલીમ માટે મંજૂરી આપી છે.
નેશનલ રેકોર્ડ ધરાવનારા સાબલે અને પારુલ કોચ સ્કોટ સિમોન્સની દેખરેખ હેઠળ કોલોરાડો સ્પ્રિંગ્સમાં ટ્રેનિંગ લેશે. સરિતા અમેરિકામાં ‘યુનાઈટેડ સ્ટેટ્સ ઓલિમ્પિક/પેરાલિમ્પિક ટ્રેનિંગ સેન્ટરમાં પ્રેક્ટિસ કરશે.
વર્લ્ડ ચેમ્પિયનશિપ સિલ્વર મેડલ વિજેતા કુસ્તીબાજ અંશુ યોકોહામામાં ‘નિપ્પોન સ્પોર્ટ્સ સાયન્સ યુનિવર્સિટીમાં તાલીમ લેવા કાનાગાવા જશે. આ કેન્દ્રમાંથી જાપાનના ઘણા ટોચના કુસ્તીબાજો તૈયાર થયા છે. ઉભરતા ટેબલ ટેનિસ ખેલાડી પાયસ જૈન પણ મંત્રાલયના ખર્ચે જાપાનના ઓસાકા ખાતે કોચ કિયુ જિયાનની દેખરેખમાં ટ્રેનિંગ મેળવશે.