નેશનલ

ઈન્ડિયન આર્મીએ ‘ઓપરેશન સિંદૂર’નો નવો વીડિયો જારી કર્યોઃ જુઓ આતંકવાદી ઠેકાણાનો કઈ રીતે કર્યો હતો સફાયો

આર્મી ડે નિમિત્તે સેનાએ બતાવી તાકાત; પહલગામ હુમલાનો બદલો કેવી રીતે લીધો હતો…

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ આર્મી ડે નિમિત્તે એક નવો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે, જેમાં ગયા વર્ષે મે મહિનામાં ઓપરેશન સિંદૂર દરમિયાન સરહદ પાર આતંકવાદી છાવણીઓ પર કરવામાં આવેલા સચોટ હુમલાઓ અને ત્યારબાદ પાકિસ્તાની એરબેઝ અને તેમના રડાર સિસ્ટમ્સ પર થયેલા હુમલાઓનો પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સોશિલય મીડિયામાં આ વીડિયોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. 3.13 મિનિટના આ વીડિયોમાં ભારતીય સેનાના પરાક્રમનું પ્રતિબિંબ જોવા મળી રહ્યું છે.

આતંકવાદી ઘટનાઓની યાદીથી વીડિયોની શરૂઆત

આ વીડિયોની 2001માં સંસદ પર હુમલો, 2002માં અક્ષરધામ મંદિર પર હુમલો, 2008માં મુંબઈ પર હુમલો, 2016માં ઉરી હુમલો, 2019માં પુલવામા હુમલો અને 2025માં પહેલગામ પર થયેલા હુમલા સહિત મુખ્ય આતંકવાદી ઘટનાઓની યાદીથી શરૂઆત થાય છે. ભારતીય સેનાએ આ ઘટનાઓને ‘માનવતા પર હુમલો’ ગણાવી હતી. વીડિયોમાં બતાવાયું છે કે, પાકિસ્તાન તરફથી થયેલી ગોલીબારીના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોન ઠાર કર્યાં અને સીમા પાસના આતંકી ઠેકાણાઓ, એરડિફેન્સ રડાર અને એરબેસને નિશાન બનાવ્યા હતાં.

દુશ્મનો માટે આર્મીએ આપ્યો મેસેજ

એક્સ પર વીડિયો પોસ્ટ કરતા ભારતીય સેનાએ લખ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ હિંમત, બહાદુરી અને અટલ નિશ્ચય સાથે ઇતિહાસ રચ્યો હતો’, આ વીડિયોમાં પાકિસ્તાનના નામનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો પરંતુ પાકિસ્તાન પર કરેલા વળતા પ્રહારની વાત સ્પષ્ટ સમજી શકાય છે. ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતિમાં દુશ્મનને જવાબ આપવા માટે તૈયાર રહે છે, તેવું પણ આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે. વીડિઓનો અંત ભારતના દુશ્મનોને ચેતવણી આપવામાં આવી છે કે, તેમને તેમની કાયરતાની કિંમત ચૂકવવી પડશે.

ઓપરેશન સિંદૂર ક્યાંરે થયું હતું?

આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ પર હુમલો કર્યો અને લોકોને તેમના ધર્મ પૂછીને મારવામાં આવ્યાં હતાં. આ હુમલામાં 26 નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી. આ આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂરથી બદલો લીધો હતો. તે વખતે સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, પહલગામ આતંકી હુમલો સાંપ્રદાયિક હિંસા ભડકાવવાનો સ્પષ્ટ પ્રયાસ હતો. જેના કારણે ઓપરેશન સિંદૂર દ્વારા તેનો જવાબ આપવામાં આવ્યો હતો. 7 મે, 2025 ના રોજ ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નષ્ટ કર્યં હતાં. જેમાં સોથી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતાં.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button