સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને કેવી રીતે આતંકીઓને બનાવ્યા નિશાન, આવો હતો પ્લાન…

નવી દિલ્હીઃ પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા લીધો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓનો ખાતમો કર્યો હતો. 22 એપ્રિલથી જ ભારતીય સેનાએ તૈયારી શરૂ કરી દીધી હતી. ચિનાર કોરના નેતૃત્વમાં વ્યૂહાત્મક ચર્ચા કરવામાં આવી હતી. તેમાં આતંકીઓ અને તેમને આશ્રય સ્થાન આપનારાનો ખાતમો કરવાનું લક્ષ્ય હતું. પરંતુ ક્યારે અને કેવી રીતે પ્રહાર કરવાનો છે તેનું રહસ્ય માત્ર કોર કમાંડર પાસે જ હતું.
સેનાએ સરપ્રાઇઝને જ પોતાની સૌથી મોટી તાકાત બનાવી. કોઈ પણ સેક્ટર પર વધારાની મૂવમેન્ટ ન થઈ. કોઈ ગતિવિધિ નજરે પડી નહોતી. પરંતુ અંદરથી જ હથિયાર, ઉપકરણ અને જરૂરી સંસાધનો એકત્ર કરવામાં આવી રહ્યા હતા. 7 મેના રોજ સેનાએ એલઓસીથી આશરે 34 કિમી અંદર ઘૂસીને શવાઈ નાલા અને સૈયદના બિલાલ કેમ્પ પર હુમલો કર્યો હતો. હુમલો અચાનક અને સચોટ હતો કે પાકિસ્તાની સેના શરૂઆતમાં શું થયું તે સમજી શકી નહોતી. જ્યાં સુધીમાં તેઓને સમજાયું ત્યાં સુધીમાં તો ભારતીય સેનાએ આતંકી કેમ્પો ખેદાન મેદાન કરી નાંખ્યા હતા. સેનાએ સચોટતાથી ન માત્ર નિશાન બનાવ્યા પરંતુ આતંકીઓની હાજરીની પણ પુષ્ટિ કરી હતી. જ્યાં મહિલાઓ અને બાળકોની હાજરી હતી ત્યાં માનવતાના ધોરણે હુમલો કર્યો નહોતો. આ હુમલામાં પાકિસ્તાનના આશરે 64 સૈનિકો અને 15થી વધુ આતંકી માર્યા ગયા હતા.
સેનાનું આ અભિયાન ન માત્ર સૈન્ય શક્તિનું પ્રદર્શન હતું. પરંતુ એવો સંદેશ પણ હતો કે ભારત તેના નાગરિકો પર થયેલા કોઈપણ હુમલાનો પૂરી તૈયારી અને સચોટતા સાથે જડબાતોડ જવાબ આપશે. જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 26થી 28 નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો હતો. ત્યાર બાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદી હુમલાનો બદલો લીધો હતો. આ ઓપરેશન દરમિયાન પાકિસ્તાન અને આતંકીઓને જવાબ આપવામાં આવ્યો હતો. ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી સમગ્ર દેશના લોકોને સેના પર ગર્વ છે. ભારતે ઓપરેશન સિંદૂરથી આતંકવાદીઓને ખતમ કર્યા અને વિશ્વભરના દેશોને પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો.