
નવી દિલ્હી: ભારતીય સેનાએ તેના નવા ત્રિ-સ્તરીય લડાયક યુનિફોર્મ (Three-tier Combat Uniform) માટે સફળતાપૂર્વક બૌદ્ધિક સંપદા અધિકારો (Intellectual Property Rights – IPR) મેળવ્યા છે. હવે આ ગણવેશની ડિઝાઇન અને પેટર્ન પર માત્ર ભારતીય સેનાનો જ વિશેષ અધિકાર રહેશે. એવું સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું અને નવા યુનિફોર્મ અંગે માહિતી પણ આપી હતી. આ યુનિફોર્મ કેવો હશે, આવો જાણીએ.
ત્રિ-સ્તરીય યુનિફોર્મની વિશેષતાઓ
આર્મી ડિઝાઇન બ્યુરોના નેજા હેઠળ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT), દિલ્હી દ્વારા નવા “કોમ્બેટ કોટ”ની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. જાન્યુઆરી 2025માં ડિજિટલ પ્રિન્ટ યુનિફોર્મ લોન્ચ થયા પછી, ભારતીય સેનાએ 27 ફેબ્રુઆરી, 2025 ના રોજ તેની ડિઝાઇન કોલકાતાના કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ અને ટ્રેડમાર્ક્સ સાથે નોંધણી કરાવી હતી. આ નોંધણી 7 ઓક્ટોબર, 2025 ના રોજ પેટન્ટ ઓફિસના સત્તાવાર જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી હતી.

આર્મીનો નવો યુનિફોર્મમાં અદ્યતન તકનીકી કાપડ અને અર્ગનોમિક ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે આધુનિકીકરણ અને સ્વદેશીકરણ તરફનું એક મોટું પગલું છે. આ યુનિફોર્મ વિવિધ આબોહવા અને વ્યૂહાત્મક પરિસ્થિતિઓમાં સૈનિકો માટે આરામ, ગતિશીલતા અને કાર્યક્ષમતા સુધારવા માટે તૈયાર કરેલ છે.
નવા “કોમ્બેટ કોટ”માં ત્રણ લેયર હશે. જેમાં આઉટર લેયર, ઇનર લેયર અને થર્મલ લેયરનો સમાવેશ થાય છે. આઉટર લેયર ડિજિટલી પ્રિન્ટેડ ફેબ્રિકથી બનેલું છે, જે વિવિધ ભૂપ્રદેશોમાં કામગીરીમાં આરામ અને સુરક્ષા પ્રદાન કરે છે. ઇનર લેયર એક ઇન્સ્યુલેટિંગ મધ્યમ સ્તર છે, જે હળવા વજનની સામગ્રીથી બનેલું છે અને શરીરને ગરમી પૂરી પાડે છે. જ્યારે થર્મલ લેયર ભારે હવામાનમાં ગરમી અને ભેજનું સંતુલન જાળવી રાખે છે.

નકલ કરનારાઓ સામે કડક કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે, સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, આ નોંધણી ભારતીય સેનાને તેની એકમાત્ર માલિકી માટે કાનૂની સુરક્ષા પૂરી પાડે છે. કોઈપણ અનધિકૃત એન્ટિટી દ્વારા આ ડિઝાઇન અને પેટર્નનું ઉત્પાદન, પ્રજનન અથવા વ્યાપારી ઉપયોગ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આવા ઉલ્લંઘનથી ડિઝાઇન એક્ટ 2000, ડિઝાઇન રૂલ્સ 2001 અને પેટન્ટ એક્ટ 1970ની જોગવાઈઓ અનુસાર, મનાઈ હુકમો (Injunctions) અને વળતર દાવાઓ (Damages) સહિત કાનૂની પરિણામો આવશે.



