ઈન્ડિયન આર્મીએ લદ્દાખમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરી
14,300 ફૂટની ઊંચાઈ પર મરાઠા યોદ્ધાની પ્રતિમા સ્થાપિત કરીને વારસાનું કર્યું સન્માન
લદ્દાખઃ ભારતીય આર્મીએ પૂર્વ લદ્દાખમાં ૧૪,૩૦૦ ફૂટની ઉંચાઈ પર સ્થિત પેંગોંગ લેકના કિનારે મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરી છે. આ સ્થળ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલસી)ની નજીક છે, જ્યાં લાંબા સમયગાળાથી ચીન સાથે તણાવપૂર્ણ સ્થિતિ હતી. આ પહેલનો હેતુ છત્રપતિ શિવાજીની અડગ હિંમત અને તેમના ઐતિહાસિક વારસાને સન્માન આપવાનો છે.
આ પ્રતિમાનું અનાવરણ ૧૪ કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ હિતેશ ભલ્લાએ કર્યું હતું. ૧૪ કોર “ફાયર એન્ડ ફ્યુરી કોર” તરીકે પણ ઓળખાય છે. આ પ્રસંગે તેમણે શિવાજીની વ્યૂહાત્મક કુશળતા અને નેતૃત્વને શ્રદ્ધાંજલિ આપી હતી. સેનાના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કામગીરી આગામી પેઢીઓને પ્રેરણા આપશે.
આપણ વાંચો: તો શું આ વખતે ઉઝૈર ખાનને ભારતીય આર્મી ઠાર કરશે….
.છત્રપતિ શિવાજીની પ્રતિમાનું ઉદ્ઘાટન એવા સમયે થયું છે જ્યારે ભારત અને ચીને ડેમચોક અને ડેપસાંગના બે પોઈન્ટ પરથી સૈનિકો હટાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. આવી સ્થિતિમાં આ પગલાને ચાર વર્ષથી ચાલી રહેલા સીમા વિવાદના ઉકેલની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રગતિ તરીકે જોવામાં આવી રહ્યું છે.
પેંગોંગ લેક વિસ્તારમાં ૨૦૨૦માં શરૂ થયેલા સીમા વિવાદ બાદ આ સ્થળ વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી ખાસ બની ગયું છે. ૨૧ ઓક્ટોબરના ભારત અને ચીને એક સમજૂતી હેઠળ સૈનિકો પાછી ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરી, જેનાથી બંને દેશો વચ્ચે તણાવ ઓછો થયો છે.
આ પ્રતિમા દ્વારા ભારતીય સેનાએ માત્ર છત્રપતિ શિવાજીના ઐતિહાસિક વારસાનું જ સન્માન નથી કર્યું પરંતુ તેમની લશ્કરી વ્યૂહરચના અને અદમ્ય સાહસને આજના સૈન્ય ક્ષેત્રમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો છે.