
નવી દિલ્હી: ભારતીય વાયુસેના (IAF) તેના ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં મોટા પાયે યુદ્ધાભ્યાસ કરવા જઈ રહી છે, જેના માટે એરમેનને નોટિસ (NOTAM) જારી કરવામાં આવી છે. આ અભ્યાસ છ દિવસ માટે યોજાશે, જે દરમિયાન ભારતીય સેના ચીન, ભૂટાન, મ્યાનમાર અને બાંગ્લાદેશની સંવેદનશીલ સરહદો નજીક કવાયત કરશે.
ત્રણ તબક્કામાં થશે યુદ્ધાભ્યાસ
વાયુસેનાનો યુદ્ધાભ્યાસ ત્રણ તબક્કામાં યોજાશે. જેમાં 6 અને 20 નવેમ્બર, 2025ના રોજ પહેલો તબક્કો, 4 અને 18 ડિસેમ્બર, 2025ના રોજ બીજો તબક્કો અને 1 અને 15 જાન્યુઆરીના રોજ ત્રીજા તબક્કાનો અભ્યાસ થશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, વાયુસેનાના યુદ્ધાભ્યાસને લઈને આગામી કેટલાક મહિનાઓ માટે ઘણા દિવસોના NOTAM જારી કરવામાં આવ્યા છે.
આ સમયગાળા દરમિયાન, IAF આ પ્રદેશના વિવિધ ફોરવર્ડ બેઝ અને એર બેઝ પર વ્યાપક લડાઇ તાલીમ, સંકલિત ફ્લાઇટ્સ અને લોજિસ્ટિક્સ કસરતો કરશે. આ કવાયતનો હેતુ ઉત્તરપૂર્વમાં ભારતના હવાઈ પ્રભુત્વ અને ઓપરેશનલ સંકલનને મજબૂત બનાવવાનો છે.
સેનાની ત્રણેય પાંખનો સંયુક્ત યુદ્ધાભ્યાસ શરૂ
ઉલ્લેખનીય છે કે, ભારતીય સેના દ્વારા તાજેતરમાં અન્ય બે મહત્વપૂર્ણ યુદ્ધાભ્યાસ સફળતાપૂર્વક હાથ ધર્યા છે. જેમાં ‘વાયુ સમન્વય-II’ અને ‘ઓપરેશન ત્રિશૂલ’નો સમાવેશ થાય છે. જે પૈકી ‘ઓપરેશન ત્રિશૂલ’ ભારતીય સેનાની ત્રણેય પાંખનો સંયુક્ત યુદ્ધાભ્યાસ છે. આ યુદ્ધાભ્યાસનું મુખ્ય ધ્યાન કચ્છ પ્રદેશ પર રહેશે, જેને પશ્ચિમી સરહદ પર સંભવિત નવા ફ્લેશપોઇન્ટ તરીકે જોવામાં આવે છે. આમાં દક્ષિણ પાકિસ્તાનને લક્ષ્ય બનાવીને આક્રમક હુમલાઓના દૃશ્યોનો સમાવેશ થાય છે. આમ, આ ત્રણેય યુદ્ધાભ્યાસો ભારતીય સેનાની સંયુક્ત લડાઇ તૈયારી અને પડકારજનક વાતાવરણમાં ઓપરેશનલ ક્ષમતા વધારવા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
આ પણ વાંચો…ભારત-યુએસના સંબંધોનો અંત આવી ગયો છે! વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાતે આવો દાવો કેમ કર્યો?



