ટ્રમ્પના 50 ટકા ટેરિફથી ભારતને કોઈ નુકસાન નહીં, ટોચની રેટિંગ એજન્સીનો દાવો, શું આપ્યાં કારણ ? | મુંબઈ સમાચાર

ટ્રમ્પના 50 ટકા ટેરિફથી ભારતને કોઈ નુકસાન નહીં, ટોચની રેટિંગ એજન્સીનો દાવો, શું આપ્યાં કારણ ?

અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. આ ટેરિફ જાહેરાત પછી ઘણા નિષ્ણાંતો અને લોકોનું એવું માનવું છે કે આ ટેરિફથી ભારતને વ્યાપારમાં ફટકો પડશે. જ્યારે અમુક લોકોનું માનવું છે કે આ ટેરિફથી અમેરિકાને જ નુકસાન વેઠવાનો વારો આવશે. આ તમામ અટકરો વચ્ચે ભારતની આર્થિક વૃદ્ધિ અને સોવરન રેટિંગનો સકારાત્મક દૃષ્ટિકોણ જળવાઈ રહેશે, એવું રિસર્ચ એજન્સીનું માનવું છે. એજન્સી પ્રમાણે આ ટેરિફ રશિયન તેલની ખરીદીની સજા તરીકે લાગુ કરવામાં આવ્યા છે, પરંતુ ભારતની અર્થવ્યવસ્થા પર તેની નજીવી અસર થશે. ભારતનું ઘરેલું બજાર અને મજબૂત આર્થિક માળખું આ ટેરિફનો સામનો કરવા સક્ષમ છે.

એશિયા-પેસિફિક સોવરન રેટિંગ્સ પરના વેબિનારમાં એજન્સીના ડાયરેક્ટરે જણાવ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા વેપાર આધારિત નથી, અને અમેરિકામાં નિકાસનું પ્રમાણ ભારતના જીડીપીના માત્ર 2 ટકા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે 7 ઓગસ્ટથી લાગુ થયેલા 25 ટકા ટેરિફ અને 28 ઓગસ્ટથી લાગુ થનારા વધારાના 25 ટકા ટેરિફથી ભારતની આર્થિક વૃદ્ધિ પર નોંધપાત્ર અસર થશે નહીં. તાજેતરના રિપોર્ટ પ્રમાણે, ભારતનો જીડીપી ગ્રોથ ચાલુ નાણાકીય વર્ષે 6.5 ટકા રહેશે, જે ગત વર્ષના પ્રદર્શન સાથે સુસંગત છે.

એજન્સી પ્રમાણે ભારતના મુખ્ય નિકાસ ક્ષેત્રો, જેમ કે ફાર્માસ્યુટિકલ્સ અને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, અમેરિકાના ટેરિફથી મુક્ત છે. આનાથી ભારતની નિકાસ પર ટેરિફની અસર ઘટી જાય છે. તેમણે કહ્યું કે લાંબા ગાળે આ ટેરિફ ભારતની અર્થવ્યવસ્થા માટે મોટો ફટકો નહીં બની રહે, અને ભારતનો સોવરન રેટિંગનો સકારાત્મક દૃષ્ટિકોણ જળવાઈ રહેશે. ગત વર્ષે મે મહિનામાં એજન્સીએ ભારતના ‘BBB-’ સોવરન રેટિંગનો દૃષ્ટિકોણ મજબૂત આર્થિક વૃદ્ધિના આધારે સકારાત્મક કર્યો હતો.

ભારત-અમેરિકા વેપાર સંબંધ

2021-25 દરમિયાન અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર રહ્યું છે. અમેરિકા ભારતની કુલ માલની નિકાસના 18 ટકા, આયાતના 6.22 ટકા અને દ્વિપક્ષીય વેપારના 10.73 ટકા માટે જવાબદાર છે. 2023-24માં ભારતે અમેરિકા સાથે 35.32 અબજ ડોલરનો વેપાર અધિશેષ (નિકાસ અને આયાતનો તફાવત) નોંધાવ્યો હતો, જે 2024-25માં વધીને 41 અબજ ડોલર થયો. આ નાણાકીય વર્ષે ભારત અને અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 186 અબજ ડોલર સુધી પહોંચ્યો, જેમાં ભારતે 86.5 અબજ ડોલરની નિકાસ અને 45.3 અબજ ડોલરની આયાત કરવામાં આવી છે.

અમેરિકાના ટેરિફથી ભારતમાં રોકાણના પ્રવાહ પર અસર થશે કે કેમ એવા પ્રશ્નના જવાબમાં એજન્સીએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ‘ચાઈના પ્લસ વન’ વ્યૂહરચના હેઠળ ઘણી કંપનીઓ ભારતમાં રોકાણ કરી રહી છે, મુખ્યત્વે ભારતના વિશાળ ઘરેલું બજારને ધ્યાનમાં રાખીને. ભારતનો ઉભરતો મધ્યમ વર્ગ અને વધતી ગ્રાહક શક્તિ રોકાણકારો માટે મોટું આકર્ષણ છે. આ કંપનીઓનું ધ્યાન માત્ર અમેરિકા જ નહીં, પરંતુ ભારતના સ્થાનિક બજાર પર પણ છે, જે ટેરિફની અસરને ઘટાડે છે.

આપણ વાંચો:  વિદેશી મુસાફરો માટે ખુશખરબ, એક જ દિવસમાં મળી જશે ભારતીય વિઝા!

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button