સમુદ્રમાં વધશે ભારતની તાકાત; આ વર્ષે માનવસહિત સબમરીન કરશે લોન્ચ
નવી દિલ્હી: ભારત પોતાના અફાટ દરિયામાં પોતાની તાકાત વધારવા સતત પ્રયત્ન કરી રહ્યું છે. દરિયાની અંદર પોતાની હાજરી મજબૂતી સાથે રાખીને હિન્દ મહાસાગર તેમજ બંગાળની ખાડી અને અરબ સાગર પરના ભારતના વ્યૂહાત્મક સ્થાનને વધુ મજબૂત બનાવવાના પ્રયત્નો ભારતીય નૌકાદળ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ વર્ષે ભારત પ્રથમ ડીપ-સી માનવયુક્ત વાહન લોન્ચ કરશે તેવી જાહેરાત ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે.
ભારત તેના ‘ડીપ ઓશન મિશન’ હેઠળ સમુદ્રમાં 500 મીટરની ઊંડાઈએ તેનું પ્રથમ માનવસહિત ‘અંડરવોટર સબમર્સિબલ’નું સંચાલન કરશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રી જિતેન્દ્ર સિંહે આ અંગે માહિતી આપી હતી. ‘અંડરવોટર સબમર્સિબલ’ એક માનવ સંચાલિત વાહન છે જે ઊંડા સમુદ્રમાં કાર્ય કરે છે.
આપણ વાંચો: ચીની નાવિક માટે ભારતીય નૌકાદળ બન્યું “દેવદૂત” : મધદરિયે કેવી રીતે બચાવ્યો જીવ ?
500 મીટરની ઊંડાઈ સુધી કામ કરશે
જિતેન્દ્ર સિંહે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે આ ‘સબમર્સિબલ’ 500 મીટરની ઊંડાઈ સુધી કામ કરશે અને આગામી વર્ષ સુધીમાં 6,000 મીટરની ઊંડાઈ સુધી પહોંચવાનું લક્ષ્ય છે.
તેમણે કહ્યું કે આ સિદ્ધિ ગગનયાન અવકાશ મિશન સહિત ભારતના અન્ય સીમાચિહ્નરૂપ મિશનની સમયરેખા સાથે તાલ જાળવશે, જે દેશની વૈજ્ઞાનિક શ્રેષ્ઠતા તરફની સફરમાં એક સુખદ સંયોગ દર્શાવે છે.
આપણ વાંચો: સાઉથ કોરિયાના બોગસ વિઝા રૅકેટમાં ભારતીય નૌકાદળના અધિકારીની ધરપકડ
ડીપ ઓશન મિશન ભારત માટે મહત્વપૂર્ણ
તેમણે કહ્યું કે ‘ડીપ ઓશન મિશન’માં મહત્વપૂર્ણ ખનિજો, દુર્લભ ધાતુઓ અને અજાણી દરિયાઈ જૈવવિવિધતા સહિત વિશાળ સંસાધનો શોધવાની ક્ષમતા છે, જે દેશના આર્થિક વિકાસ અને પર્યાવરણીય ટકાઉપણું માટે મહત્વપૂર્ણ છે.
જિતેન્દ્ર સિંહે કહ્યું, “આ મિશન દ્વારા આપણે ફક્ત આપણા મહાસાગરોની ઊંડાઈ જ શોધી રહ્યા નથી, પરંતુ એક મજબૂત ‘બ્લૂ એકોનોમી’ પણ બનાવી રહ્યા છીએ જે ભારતના ભવિષ્યને આગળ ધપાવશે.”