યુએસ સાથેની ડીલમાં ભારતને ટેક્સટાઇલ મામલે મોટો ફાયદો મળશે! પીયુષ ગોયલની જાહેરાત

નવી દિલ્હી: ભારતીય અધિકારીઓ યુએસ સાથે વેપાર કરારને અંતિમરૂપ આપવા માટે પ્રયાસો કરી રહ્યા છે. એવામાં બાંગ્લાદેશે યુએસ સાથે વેપાર કરાર કર્યો છે, કરાર હેઠળ યુએસમાં નિકાસ થતા બાંગ્લાદેશના કાપડ પરના ટેરીફમાં મોટી રાહત આપવામાં આવી છે. એવામાં ભારતના કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, ભારતને પણ ટેક્સટાઇલ સંબંધિત વેપાર લાભો મળવાની શક્યતા છે.
બાંગ્લાદેશને યુએસના કપાસનો ઉપયોગ કરીને બનેલા કાપડ પર યુએસ બજારમાં ઝેરો-ટેરિફ ઍક્સેસ આપવામાં આવી છે. વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત અને યુએસ વચ્ચેના વેપાર કરારમાં એક કલમનો સમાવેશ કરવામાં આવશે જે હેઠળ યુએસથી આયાત થતા કપાસના યાર્નથી ભારતમાં બનતા કાપડને યુએસ બજારમાં ઝેરો-ટેરિફ ઍક્સેસ મળી શકે છે.
નોંધનીય છે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગેના સંયુક્ત નિવેદનમાં કે વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલી ફેક્ટશીટમાં આવી કલમનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા નથી મળી રહ્યો.
ભારતને પણ બાંગ્લાદેશ જેવા લાભ મળશે!
એવી ચર્ચાઓ ચાલી રહી છે કે બાંગ્લાદેશે યુએસ સાથે ભારત કરતાં વધુ સારો સોદો કર્યો છે. પીયૂષ ગોયલે
આવા આરોપોને નકારી કાઢ્યા છે પીયૂષ ગોયલે કહ્યું કે ભારત યુએસ સાથે સમાન લાભ સાથેનો સોદો કરશે.
પીયૂષ ગોયલે કહ્યું, “જેમ બાંગ્લાદેશ પાસે એવી સુવિધા છે કે યુએસનો કાચો માલ ખરીદીને પ્રોસેસ કરવા અને તેમાંથી કાપડ બનાવવીને નિકાસ કરવાની સુવિધા છે, એમ ભારત પાસે પણ આવી જ સુવિધા છે, અને ભારતને પણ આવા જ જ લાભ મળશે. હાલ કરારના ફ્રેમવર્ક પર કામ કરવામાં આવી રહ્યું છે.”
નોંધનીય છે કે તાજેતરમાં ભારત-યુએસ વચગાળાના વેપાર કરારની જાહેરાત કરવામાં આવી હતી, જેની મુખ્ય વિગતો અત્યાર સુધી જાહેર કરવામાં આવી નથી.



