ભારત-અમેરિકા ટ્રેડ ડીલ: વાણિજ્ય મંત્રાલયની ટીમ ફરી વોશિંગ્ટન જશે…

નવી દિલ્હી: અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ 2 એપ્રિલે ભારતીય વસ્તુઓ પર 26 ટકા વધારાનો પારસ્પરિક ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયને 90 દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યો હતો. નવમી જુલાઈએ નવા ટેરિફનું અમલિકરણ થવાનું હતું. પરંતુ હવે આ નિર્ણયને 1 ઓગસ્ટ સુધી ટાળવામાં આવ્યો છે. ત્યારે હવે ભારત હવે અમેરિકા સાથે બીજા તબક્કાની વાતચીતની તૈયારી કરી રહ્યું છે.
વાણિજ્ય મંત્રાલયની ટીમ વોશિંગ્ટન જશે
ભારતીય વાણિજ્ય મંત્રાલયની એક ટીમ ટૂંક સમયમાં અમેરિકા સાથે પ્રસ્તાવિત વેપાર કરાર માટે બીજા તબક્કાની વાટાઘાટો માટે વોશિંગ્ટનની મુલાકાત લેશે. એવું મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું છે. આ મુલાકાત દરમિયાન, દ્વિપક્ષીય વેપાર કરાર (BTA)ના વચગાળાના અને પ્રથમ તબક્કા બંને પર ચર્ચા કરવામાં આવશે.
પહેલી ઓગસ્ટ સુધી ટેરિફ મુલતવી
ભારત તરફથી મુખ્ય મધ્યસ્થી રાજેશ અગ્રવાલના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ કરાર પર વાટાઘાટો કરવા માટે વોશિંગ્ટન ગઈ હતી. આ મહિનાની શરૂઆતમાં જ રાજેશ અગ્રાવાલની ટીમ પરત ફરી છે. અમેરિકાએ વધારાના ટેરિફ (ભારતના કિસ્સામાં તે 26 ટકા છે) 1 ઓગસ્ટ સુધી મુલતવી રાખ્યા છે. જેથી રાજેશ અગ્રવાલની ટીમની મુલાકાત મહત્વપૂર્ણ સાબિત થઈ છે.
ડીલને આખરી ઓપ આપવાના પ્રયાસ ચાલુ
આજે મીડિયા સાથે વાત કરતા વાણિજ્ય વિભાગના વિશેષ સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે ભારત અમેરિકા સાથે વેપાર કરાર પર વાટાઘાટો અને તેને આખરી ઓપ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ કરારનો પ્રથમ તબક્કો આ વર્ષના પાનખર (સપ્ટેમ્બર-ઓક્ટોબર) સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેના પહેલા, બંને દેશો વચગાળાના વેપાર કરારને આખરી ઓપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભારતે 26 દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા
રાજેશ અગ્રવાલે જણાવ્યું કે, “ભારતે અત્યાર સુધીમાં 26 દેશો સાથે 14 થી વધુ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) લાગુ કર્યા છે. હવે ભારત મુખ્ય બજારો સાથે જોડાઈ રહ્યું છે. અમે તાજેતરમાં બ્રિટન સાથે કરાર કર્યો છે. અમે યુરોપિયન યુનિયન સાથે વાટાઘાટોના અદ્યતન તબક્કામાં છીએ. અમે યુએસ સાથે પણ વાટાઘાટો કરવાનો અને કરારને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”
ઓસ્ટ્રેલિયા અને યુએઈ સાથે પણ કરાર કર્યા
ભારત ચિલી અને પેરુ સહિત લેટિન અમેરિકન દેશો સાથે પણ વેપાર કરારો પર વાટાઘાટો કરી રહ્યું છે. રાજેશ અગ્રવાલે વધુમાં જણાવ્યું કે, “અમે ઓસ્ટ્રેલિયા અને સંયુક્ત આરબ અમીરાત સાથે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. અમે ન્યુઝીલેન્ડ સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ. અમે મુખ્ય વેપાર ભાગીદારો અને મુખ્ય અર્થતંત્રો સાથે વ્યાપકપણે જોડાયેલા છીએ.”
વોશિંગ્ટન ક્યારે જશે વાણિજ્ય મંત્રાલયની ટીમ?
ઉલ્લેખનીય છે કે, રાજેશ અગ્રવાલના પ્રયાસો હકારાત્મક દિશામાં આગળ વધી રહ્યા છે. વાણિજ્ય મંત્રાલયની બીજી ટીમ પણ કદાચ તેમના નેતૃત્વમાં વોશિંગ્ટનની મુલાકાતે જશે. પરંતુ હજુ સુધી મુલાકાતની તારીખો નક્કી કરવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યાનુસાર, વાણિજ્ય મંત્રાલયની ટીમ આવતા અઠવાડિયે વોશિંગ્ટનની મુલાકાતે જાય તેવી સંભાવના છે.