
નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર લગાવેલા તોતિંગ ટેરિફથી રાહતની આશા પર પાણી ફરી વળ્યા જેવી સ્થિતિ છે. ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મામલે ચાલી રહેલા ટ્રેડ ડીલ ડિસ્કશનને બ્રેક લાગી છે. અમેરિકાના અધિકારીઓ જે છઠ્ઠી બેઠક માટે ભારત આવનારા હતા તેમણે ભારત સાથેની મુલાકાત રદ કરી છે.
25થી 29 ઑગસ્ટ દરમિયાન ભારતમાં આ ચર્ચાઓ થવાની હતી. હવે આ બેઠક રિ-શિડ્યુઅલ કરવામાં આવશે, તેવી જાણકારી અહેવાલો દ્વારા મળી છે.
27 ઑગસ્ટથી 50 ટકા ટેરિફ
ટેરિફ મામલે અમેરિકી અને ભારતીય સરકારો વચ્ચે બેઠકોનો દૌર ચાલી જ રહ્યો છે. બન્ને વચ્ચે અત્યાર સુધીમાં પાંચ બેઠક થઈ ચૂકી છે. જોકે તે સમયે ભારત પર 25 ટકા ટેરિફ નાખવામાં આવ્યો હતો, જે હવે વધારે ડબલ 50 ટકા કરી દેવાયો છે. ભારત અને અમેરિકાના સંબંધો આ કારણે સતત વણસી રહ્યા છે.
વળી, ટ્રમ્પ અને પુતિન વચ્ચેની બેઠક પણ ખાસ કઈ પોઝિટીવ રહી નથી. આને કારણે ટેરિફ ઘટવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. જો બન્ને દેશો વચ્ચે કોઈ સમજુતી નહીં થાય તો 27મી ઑગસ્ટથી ભારતે 50 ટકા ટેરિફનો બોજ સહન કરવો પડશે.
રશિયા સાથેના ભારતના સંબંધો અમેરિકાને ખૂંચ્યા.
અમેરિકાએ ભારત પર પહેલા 25 ટકા ટેરિફ નાખ્યો હતો, પરંતુ ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈળ ખરીદતા અમેરિકાના પેટમાં તેલ રેડાયું અને ટ્રમ્પે વધારાનો 25 એમ કુલ 50 ટકા ટેરિફ ભારત પર નાખ્યો છે. આ ટેરિફ 27મી ઑગસ્ટથી અમલમાં આવશે. અમેરિકા ભારતમાં ડેરી અને ખેતી ક્ષેત્રે વધારે વેપાર કરવા માગતું હતું, પરંતુ ભારતે આ મામલે ઈનકાર કર્યો છે.
ભારત ખેતી પર નભતો દેશ છે અને આપણો ડેરી ઉદ્યોગ પણ વિશાળ છે. અમેરિકી પ્રોડેક્ટ્સ ભારતના બજારમાં વધારે પડતા આવે તો બન્ને મહત્વના ક્ષેત્રોને નુકસાન થાય, આથી ભારત આ મામલે ખેડૂતોના હીતને પ્રાધાન્ય આપશે, તેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક ભાષણમાં કહ્યું હતું.
વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર, એપ્રિલ-જુલાઈ 2025 દરમિયાન ભારતની અમેરિકામાં નિકાસ 21.64% વધીને $33.53 બિલિયન થઈ છે, જ્યારે આયાત 12.33% વધીને $17.41 બિલિયન થઈ છે. આ સમયગાળા દરમિયાન, અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર રહ્યું છે, પરંતુ આ સંબંધો થોડા નબળા પડી રહ્યા છે.
જોકે ટ્રમ્પ જે રીતે દુનિયા પર ટેરિફનો તરખાટ મચાવી રહ્યા છે તેનાથી વિશ્વના દેશો નારાજ છે. આથી આવનારા સમયમાં ભારતને પણ ટેરિફમાં કોઈ રાહત મળે તેવી શક્યતાને નકારી શકાય નહીં.