ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં થશે ‘ટ્રેડ ડીલ’: વિદેશી ફર્મનો ટેરિફ મુદ્દે મોટો દાવો

નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારને લઈ પાછલા ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. આ ડીલને લઈ બંને દેશો વચ્ચે છ વખત વાટાઘાટો થઈ ચૂકી છે છતાં હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. અમેરિકાએ પણ આ મુદ્દે જાહેરાતો કરી છે, પરંતુ હવે વિદેશી બ્રોકરેજ ફર્મે ટેરિફને લઈ મોટો દાવો કર્યો છે.
આ દરમિયાન, વિદેશી બ્રોકરેજ ફર્મ નોમુરાએ તેના તાજેતરના અહેવાલમાં આ કરાર વહેલી તકે પૂરો થવાની શક્યતા વ્યક્ત કરી છે. નોમુરાએ અનુમાન લગાવ્યું છે કે હાલમાં ભારત પર લાગુ કરાયેલા અમેરિકાના 50 ટકા ટેરિફમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે અને તે ઘટીને માત્ર 20 ટકાની આસપાસ નક્કી કરવામાં આવી શકે છે.
આપણ વાચો: કવર સ્ટોરી: ખેંચતાણ ખેડૂતો માટે? લો, ભારત અને અમેરિકા વચ્ચે સોદાબાજી તો વોટબેન્ક માટે!
નોમુરાએ ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)ને લઈને પણ સકારાત્મક વલણ દર્શાવ્યું છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દર વાર્ષિક ધોરણે 8.2 ટકા નોંધાયો છે, જે અગાઉના જૂન ક્વાર્ટરમાં 7.8 ટકા હતો. આ આંકડો અપેક્ષા કરતાં ઘણો સારો રહ્યો છે.
ભારતીય અર્થતંત્રના આ મજબૂત પ્રદર્શનને જોતાં નોમુરાએ નાણાકીય વર્ષ 2026 (FY26) માટે તેના GDP વૃદ્ધિ દરના અનુમાનને 7%થી વધારીને હવે 7.5% કરી દીધું છે. બ્રોકરેજ ફર્મનું અનુમાન મુજબ ભારતનો આર્થિક વૃદ્ધિદર પણ મજબૂત રહી શકે છે.
આ અહેવાલમાં રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI)ની આગામી MPC બેઠક અંગે પણ અનુમાન લગાવવામાં આવ્યું છે. મજબૂત GDP ગ્રોથના આંકડાઓને કારણે બજારમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ્સ (bps)ના ઘટાડાની અપેક્ષા પર સવાલો ઊભા થયા છે તેમ છતાં, નોમુરાએ ડિસેમ્બરમાં 25 bpsના ઘટાડાના અનુમાનને જાળવી રાખ્યું છે.
એટલે કે ભારતમાં રેપો રેટ ઘટીને 5.25 % પર આવવાની સંભાવના વ્યક્ત કરી છે. જોકે, ફર્મે રેપો રેટમાં કપાતની સંભાવનાને 65 %થી ઘટાડીને 60% કરી છે, જે દર્શાવે છે કે મજબૂત અર્થતંત્રને કારણે કટની અનિવાર્યતા થોડી ઘટી છે.
નોમુરાના મતે ભારતનો GDP વૃદ્ધિ દર RBIના ક્વાર્ટરના 7% ના અનુમાન કરતાં 1.2% વધુ રહ્યો છે. નવા GDP ડેટાના આધારે ભારતીય અર્થવ્યવસ્થા મજબૂતી સાથે આગળ વધી રહી છે, અને આવી સ્થિતિમાં નીતિગત દરો (Policy Rates)માં તાત્કાલિક ઘટાડાની કોઈ ખાસ જરૂર નથી, જો કે નીચા ફુગાવા (Inflammation)ની થોડી શક્યતા છે.
આર્થિક વિકાસને ટેકો આપતા પરિબળોમાં ઓછા ફુગાવા દર, GST સુધારાઓ અને શ્રમ કાયદાઓને સરળ બનાવવા જેવા અન્ય સુધારાઓનો સમાવેશ થાય છે, જે લાંબા ગાળે વિકાસને પ્રોત્સાહન આપશે.



