
દેશવાસીઓ માટે ઊભી થશે નવી રોજગારીની તકોઃ પીયૂષ ગોયલે આપી માહિતી
નવી દિલ્હીઃ અમેરિકા સાથે ટ્રેડ ડીલ મુદ્દે ભારતમાં સત્તાધારી પાર્ટી સહિત વિપક્ષની પ્રતિક્રિયા મળી છે, ત્યારે આ મુદ્દે સરકાર તરફથી કેન્દ્રીય મંત્રીએ મહત્ત્વની વાત જણાવતા કહ્યું હતું કે બંને દેશ વચ્ચેની ઐતિહાસિક ડીલ ભારતમાં નવી રોજગારીની તકો લઈ આવશે. તેમણે કહ્યું હતું કે દક્ષિણ એશિયાની અન્ય દેશની તુલનામાં ભારતને સૌથી બેસ્ટ ડીલ મળી છે, જ્યારે આ ડીલને કારણે ભારતના કૃષિ ક્ષેત્રને પણ સંરક્ષણ મળશે.
ભારત-અમેરિકા વેપાર કરાર અંગે આજે સરકારે વિગતવાર નિવેદન બહાર પાડ્યું હતું. વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે આ કરાર વિશે માહિતી આપતા કહ્યું કે બંને દેશો ટૂંક સમયમાં તેના પર સંયુક્ત નિવેદન બહાર પાડશે. જનહિતને ધ્યાનમાં રાખીને તેમ જ ભારતના ભવિષ્યને ચારચાંદ લગાવનારી ડીલ ફાઈનલ કરી હોવાનો દાવો કર્યો હતો. 140 કરોડ દેશવાસીઓનો આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે આ ડીલ ભારતની અર્થવ્યવસ્થા, દરેક ગરીબો માટે અઢળક તકો લાવશે.

ટ્રમ્પ દ્વારા આ કરારની જાહેરાતને લઈને વિપક્ષના સવાલોના જવાબમાં તેમણે કહ્યું કે ટ્રમ્પ તરફથી ટેરિફ લાદવામાં આવ્યા હોવાથી તેને દૂર કરવાની જાહેરાત પણ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જવાબ આપ્યો કે નવી દિલ્હીએ સત્તાવાર રીતે ભારત-અમેરિકા વેપાર કરારની જાહેરાત કેમ કરી તે પહેલાં અમેરિકાએ જ કરી હતી. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની પહેલા કરાર અંગે ટ્વિટ કેમ કર્યું હતું જેના જવાબમાં ગોયલે કહ્યું હતું કે ટેરિફ પરત લેવાનો નિર્ણય અમેરિકામાં લેવામાં આવ્યો હતો.
અમેરિકાએ પારસ્પરિક ટેરિફ લાદ્યો હતો, તેથી ઘટાડા અંગેની જાહેરાત રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી કરવામાં આવી હતી. પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા ટૂંક સમયમાં તેમના વેપાર કરાર પર સંયુક્ત નિવેદન બહાર પાડશે અને “અંતિમ સહમતિ” પર હસ્તાક્ષર થયા પછી અને તકનીકી પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી તેના વિશે વિગતો શેર કરશે.
નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ભારત અમેરિકાના ઉત્પાદનો પર “શૂન્ય” ટેરિફ લગાવશે અને 500 અબજ ડોલરનો અમેરિકન સામાન ખરીદશે. આ કરારની પુષ્ટી સોમવારે રાત્રે વડા પ્રધાન મોદીએ કરી હતી. પરંતુ સરકાર તરફથી ચોક્કસ વિગતો ના આપવાના કારણે રાજકીય હંગામો મચી ગયો હતો.
આ પણ વાંચો…હવે ‘ટ્રેડ ડીલ’ મુદ્દે રાહુલ ગાંધીએ ઊઠાવ્યા સવાલ, કહ્યું પીએમ મોદી પર અમેરિકાનું દબાણ…

અમેરિકા સાથેની ટ્રેડ ડીલ મુદ્દે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. અમેરિકાના દબાણમાં પીએમ મોદી હોવાનો દાવો કર્યો હતો. વિપક્ષની ટીકા વચ્ચે કેન્દ્રીય મંત્રીએ વિપક્ષને જવાબ આપતા કહ્યું હતું કે જેમ વિપક્ષ ખાસ કરીને રાહુલ ગાંધીની લીડરશિપમાં પોતાના સહયોગી સાથે મળીને સંસદમાં જે પ્રકારે વર્તન કર્યું તે યોગ્ય નથી. તેમણે સ્પીકરનું પણ અપમાન કર્યું છે. આ જ કારણથી આજે સંસદમાં બોલવાને બદલે અમે તમને જાણકારી આપીએ છીએ.



