ઊંચા ટેરિફ છતાં ભારત અમેરિકા સાથે કરી શકે છે મોટી ટ્રેડ ડીલઃ સરકારે આપી હિંટ…

અમેરિકામાં ભારતીય માલની માંગ યથાવત; દર મહિને 7 અબજ ડોલરની નિકાસ
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આકરા વલણના કારણે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર ગૂંચવાયેલો હતો, પરંતુ હવે તેમાં એક ખુશીના સમાચાર આવ્યાં છે. 500 ટકા જેટલા ટેરિફ બાદ પણ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર થશે તેવા એંધાણ છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલના નિવેદનમાં આના સંકેત મળ્યાં છે. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. જોકે, મહત્વની વાત એ છે કે, સરકાર દ્વારા તેની હજી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર થશે?
વિગતે વાત કરવામાં આવે તો, ગયાં વર્ષે ફેબ્રુઆરીથી શરૂ થયેલી વાતચીતમાં વેપારની વાત સતત ચાલી રહી છે. ટ્રમ્પે ભારતીય માલ પર 500% સુધી ટેરીફ લગાવ્યા, જેમાં રશિયન તેલ ખરીદીને કારણે 25% વધારો થયો હોવાનું પણ સામેલ છે. જેથી ભારતે રશિયા પાસેથી તેલ ખરીદી ઘટાડી હોવાનું પણ ચર્ચાયું હતું. એટલું જ નહીં પરંતુ વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (યુએસટીઆર) ગ્રીર વચ્ચે એક વર્ચ્યુઅલ મીટિંગ પણ યોજાઈ હતી. જેથી ટેરિફનો એક સુખદ અંત આવી શકે તેવી શક્યતાઓ છે.

મહિને 7 અબજ ડોલર ઉત્પાદનોની નિકાસ કરી
સૌથી મહત્વની વાત એ છે કે, વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલ દ્વારા ભારતીય નિકાસકારોનો એક ડેટા રજૂ કરવામાં આવ્યો છે. જેમાં અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ઊંચા ટેરિફ અને દબાણ છતાં, ભારત દર મહિને આશરે 7 અબજ ડોલરની કિંમતનો માલ યુનાઇટેડ સ્ટેટ્સમાં નિકાસ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલે કે, ટેરિફના દબાણ બાદ પર અમેરિકન બજારમાં ભારતીય ઉત્પાદનોની માંગમાં ઘટાડો આવ્યો નથી.
ભારતનો વેપાર કોઈ એક દેશ પર નિર્ભર નથી
ખાસ વાત એ છે કે, ભારતીય ઉત્પાદનોની માંગ માત્ર અમેરિકામાં જ પરંતુ ચીન સહિત સંયુક્ત આરબ અમીરાતની બજારોમાં પણ ખૂબ જ માંગ છે. એટલે કે, ભારતે દરેક સ્થિતિમાં પોતાનો બીજો વિકલ્પ શોધી રાખ્યો છે. વેપાર ક્ષેત્રમાં ભારતીય જનરિક દવાઓ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટો પાર્ટ્સની વિશ્વની બજારોમાં ભારે માંગ છે. જેથી ભારત પર અમેરિકાના ટેરિફની ખાસ એટલી અસર રહેવાની નથી. એટલું જ નહીં પરંતુ ટેરિફ બાદ પણ અમેરિકન બજારોમાં ભારતીય ઉત્પાદનોની બહોળા પ્રમાણમાં નિકાસ થઈ જ છે. જેનો, વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે પોતાના અહેવાલમાં ઉલ્લેખ પણ કર્યો છે.



