
નવી દિલ્હી: લાંબી વાટાઘાટો બાદ ભારત અને યુએસ વચ્ચે વેપાર કરાર થયો છે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈ કાલે સોમવારે કરારની જાહેરાત કરી હતી. ભારતે પણ આ કરારની પુષ્ટિ કરી છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક જાહેર નિવેદનમાં આ પગલાનું સ્વાગત કર્યું છે.
કરાર મુજબ યુએસ ભારત લગાવેલો 25 ટકા રેસિપ્રોકલ ટેરીફ ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે, બદલમાં ભારતની બજારમાં યુએસની પહોંચને સરળ બનાવવામાં આવી છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ ભારત રશિયન પેટ્રોલીયમની ખરીદી બંધ કરવા તૈયાર થયું છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે ભારત યુએસના ઉત્પાદનોઓ પર ટેરિફ ઘટાડવા અને નોન-ટેરિફ અવરોધોને સપૂર્ણ પણે દુર કરવા તૈયાર છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં, વડા પ્રધાન મોદીએ કહ્યું કે ટ્રમ્પ સાથેની વાતચીત “અદ્ભુત” ગણાવી અને યુએસમાં આયાત થતા ભારતના ઉત્પાદનો રેસિપ્રોકલ ટેરિફ ઘટાડીને 18 ટકા કરવા બદલ તેમનો આભાર માન્યો. જોકે, ભારત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં રશિયન પેટ્રોલિયમની ખરીદી બંધ કરવા અંગે કોઈ ઉલ્લેખ નથી.
ભારત-અમેરિકા વેપાર કરારની સંપૂર્ણ માહિતીની રાહ જોવાઈ રહી છે, આ માહિતી મળ્યા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.
વેપાર કરાર અંગે અત્યાર સુધી મળેલી માહિતી:
- યુએસમાં ભારતીય ઉત્પાદનો પર રેસિપ્રોકલ ટેરિફ 25% થી ઘટાડીને 18% થશે
- યુએસ-ભારત વેપાર કરાર તાત્કાલિક અમલમાં આવશે
- ભારત યુએસ $500 બિલિયનથી વધુનો માલ ખરીદશે
- ટ્રમ્પનાં દાવા મુજબ ભારત યુએસના ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે અને નોન-ટેરિફ અવરોધોને સંપૂર્ણ દુર કરશે
- ટ્રમ્પના દાવા મુજબ ભારત રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદવાનું બંધ કરશે, ભારત યુએસ અને સંભવતઃ વેનેઝુએલા પાસેથી પેટ્રોલિયમ ખરીદશે.



