એક બાજુ મોદીના વખાણ અને બીજી બાજુ ટેરિફનું દબાણ! ટ્રમ્પની બેવડી રાજનીતિ ભારત માટે હાનિકારક…

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સમજવા ઘણા અઘરા છે, એકબાજું ટેરિફ મામલે ભારતને ધમકીઓ આપે છે અને બીજી બાજું ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ પણ કરે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ઊંચી ટેરિફ નીતિ પર પોતાના વલણ અંગે ફરી વાત કરી છે. સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા પણ કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીને ‘મહાન મિત્ર’ અને ‘ખૂબ જ સ્માર્ટ વ્યક્તિ’ ગણાવ્યા છે. પરંતુ શું આ વખાણથી ભારતને ટેરિફ બાબતે કોઈ ફાયદો થશે? તે એક પ્રશ્ન છે. ભારતીય મીડિયા સહિત આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ આ ચર્ચા થઈ રહી છે કે, ડોનાલ્ડ અને મોદીની મિત્રતા ભારતને ટેરિફ બાબતે કેટલો ફાયદો કરાવશે? ચાલો જોઈએ આ અહેવાલમાં…
આ પણ વાંચો: US Embassy એ ભારતમાં 2,000 વિઝા એપોઇન્ટમેન્ટ રદ કરી, જાણો કારણ…
નરેન્દ્ર મોદી ખૂબ જ સ્માર્ટ અને હોશિયાર વ્યક્તિ છેઃ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતી વખતે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, બંને દેશો વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટો સકારાત્મક પરિણામો લાવશે. પરંતુ એ વાત પણ મહત્વની અને નોંધવા જેવી છે કે, અમેરિકન વહીવટીતંત્ર તરફથી ભારતીય માલ પર પારસ્પરિક ટેરિફ લાદવાનું દબાણ તો યથાવત જ છે.
પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે,‘વડાપ્રધાન મોદી તાજેતરમાં અહીં આવ્યા હતા અને અમે હંમેશા ખૂબ સારા મિત્રો રહ્યા છીએ, પરંતુ ભારત વિશ્વના સૌથી વધુ ટેરિફ ધરાવતા દેશોમાંનો એક છે. નરેન્દ્ર ખૂબ જ સ્માર્ટ છે. તેઓ ખૂબ જ હોશિયાર વ્યક્તિ છે અને મારા સારા મિત્ર છે. અમારી વચ્ચે ખૂબ સારી ચર્ચા થઈ. મને લાગે છે કે આનાથી ભારત અને આપણા દેશ વચ્ચે ખૂબ સારા પરિણામો આવશે.’
આ પણ વાંચો: Russia Ukraine War: રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન સાથે યુદ્ધ વિરામ માટે મૂકી આ મોટી શરત
અમેરિકા ભારત સાથે દોગલી રાજનીતિ કરી રહ્યું છે
ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ કરેલી જાહેરાત પ્રમાણે 2જી એપ્રિલથી ટેરિફ લાગુ કરવાનો છે. આવી સ્થિતિમાં ભારત સાથેના વ્યાપારીક સંબંધોમાં તણાવ વધી શકે તે સ્વાભાવિક છે. કારણ કે અમેરિકા જે દેશો પર ટેરિફ લગાવવાનું છે તેમાં ભારત પણ સામેલ છે. એટલું જ નહીં પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર ભારતની વ્યાપારીક નીતિઓ પર સવાલ કર્યા અને તેની આલોચના પણ કરી છે. તો પછી વખાણ કરવાનો શું અર્થ? અમેરિકા ભારત સાથે બેવડી રાજનીતિ કરી રહ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પ એવું ઈચ્છે છે કે, ભારત પોતાના ટેરિફમાં ઘટાડો કરે! પરંતુ ડોલર અને રૂપિયાની કિંમત જોતા તે કેવી રીતે શક્ય બને? અર્થશાસ્ત્ર પ્રમાણે જો ભારત આવું કરે છે તો ભારતને નફા કરતા નુકસાન વધુ થવાની સંભાવનાઓ છે.
ટ્રમ્પને ભારતની મિત્રતા ગમે છે પરંતુ ટેરિફ ખટકે છે!
અમેરિકન રાષ્ટ્રપતિ ભારતને પોતાનો સારો મિત્ર ગણાવે છે, પરંતુ એક જ મુદ્દો છે જે અમેરિકાને ખટકે છે, ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લગાવતા દેશોમાંનો એક છે. ટ્રમ્પનું માનવું છે કે ભારત કદાચ ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરશે. આ સાથે એવી ધમકી પણ આપી છે કે, 2જી એપ્રિલે અમેરિકા એ જ ટેરિફ લગાશે જે ભારતે અમેરિકા પર લગાડ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ઊંચી ટેરિફ નીતિઓ પર પોતાના વલણ કડક કરવાનો નિર્ણય કર્યો છે. એટલા માટે જ અમેરિકા એક બાજુ વખાણ અને બીજી બાજુ ટેરિફનો માર આપીને બેવડી રાજનીતિ કરી રહ્યું છે.