નેશનલ

અમેરિકામાં કઈ ભારતીય વસ્તુઓ પર લાગશે 0% ટેરિફ? ટ્રેડ ડીલને લઈ બોલ્યા પીયૂષ ગોયલ…

નવી દિલ્હી: ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. શનિવારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે બંને દેશો વચ્ચે થયેલા આંતરિક વ્યાપાર કરારના ફ્રેમવર્ક અંગે મહત્વની જાહેરાત કરી હતી. આ સમજૂતી બાદ હવે ભારતીય નિકાસકારો માટે અમેરિકાના બજારોમાં પ્રવેશવું વધુ સરળ અને સસ્તું બનશે. આ ઐતિહાસિક કરારથી ભારતની અર્થવ્યવસ્થાને મોટો વેગ મળવાની આશા છે, કારણ કે અમેરિકાએ અનેક ભારતીય વસ્તુઓ પરની આયાત ડ્યુટી ઘટાડીને શૂન્ય કરી દીધી છે.

વાણિજ્ય મંત્રીએ વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે અમેરિકાએ ભારતની અનેક પ્રોડક્ટ્સ પર ‘ઝીરો’ ટેરિફ એટલે કે ઝીરો ટકા ડ્યુટી લાગુ કરી છે. આ યાદીમાં જેમ્સ એન્ડ જ્વેલરી, ડાયમંડ, ફાર્માસ્યુટિકલ્સ (દવાઓ), સ્માર્ટફોન અને મસાલા જેવી મુખ્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચા, કોફી, નારિયેળ તેલ, કાજુ, મધ, અને અનેક પ્રકારના ફળો-શાકભાજી પણ હવે કોઈપણ ટેક્સ વગર અમેરિકામાં નિકાસ કરી શકાશે. એરક્રાફ્ટ પાર્ટ્સ અને મશીનરી પાર્ટ્સ પર પણ અમેરિકાએ ટેક્સ નાબૂદ કર્યો છે, જે ભારતીય ઉદ્યોગો માટે સોનેરી તક સમાન છે. જો કે આ નિર્ણય ક્યારથી લાગુ થશે તેની તારીખ જાહેર કરવામાં આવી નથી.

આ પણ વાંચો…રશિયાથી આયાત થતા ઓઈલ પર અમેરિકાએ હટાવ્યો 25 ટકા ટેરિફ, ભારતમાં પેટ્રોલના ભાવમાં થશે ઘટાડો?

આ વ્યાપાર કરારમાં ભારત સરકારે દેશના ખેડૂતો અને ડેરી ક્ષેત્રના હિતો સાથે કોઈ બાંધછોડ કરી નથી. પીયૂષ ગોયલે સ્પષ્ટ કર્યું હતું કે ભારત તરફથી અમેરિકાને ડેરી કે કૃષિ ઉત્પાદનોમાં કોઈ ખાસ છૂટછાટ આપવામાં આવી નથી. માંસ, પોલ્ટ્રી, સોયાબીન, મકાઈ, ચોખા, ઘઉં, બાજરી અને ઈથેનોલ જેવી વસ્તુઓ પર કોઈ રિયાયત અપાઈ નથી. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ ભારતીય ખેડૂતોને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાથી સુરક્ષિત રાખવાનો અને સ્થાનિક બજારને મજબૂત કરવાનો છે.

ભારત માટે આ કરાર વ્યૂહાત્મક રીતે પણ ઘણો મહત્વનો છે. પીયૂષ ગોયલના જણાવ્યા અનુસાર, ભારત માટે હવે 30 ટ્રિલિયન ડોલરનું વિશાળ બજાર ખુલી ગયું છે. અમેરિકાએ ભારત માટે ટેરિફ 50 ટકાથી ઘટાડીને માત્ર 18 ટકા કરી દીધો છે, જે ચીન (35%), વિયેતનામ (20%) અને ઈન્ડોનેશિયા (19%) કરતા ઘણો ઓછો છે. આ કરારથી ભારતીય નિકાસકારોને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક ધાર મળશે અને આવનારા દિવસોમાં રોજગારીની નવી તકો પણ ઊભી થશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button