સ્કોચ અને વ્હિસ્કી પીનારાને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો કઈ રીતે?

સ્કોચ અને વ્હિસ્કી પીનારાને મળી શકે છે ગૂડ ન્યૂઝ, જાણો કઈ રીતે?

નવી દિલ્હી: ભારત અને બ્રિટનની વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)નો કરાર થયો છે. આ કરાર બંને દેશો પોતાના ઉત્પાદનની સરળતાથી આયાત અને નિકાસ કરી શકશે, જેની ઉત્પાદનોના ભાવ પર પણ અસર પડશે એવું નિષ્ણાતોનું અનુમાન છે. આ કરારમાં ખાસ કરીને સ્કોચ-વ્હિસ્કીનો ભાવ ઘટશે એવી અટકળો વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે જો બધુ અપેક્ષા પ્રમાણે થયું તો સ્કોચ-વ્હિસ્કીના ભાવ ઘટી શકે છે કઈ રીતે તો એ પણ જાણો.

કઈ રીતે ઘટશે સ્કોચ વ્હિસ્કીનો ભાવ?
એફટીએના કરારના કારણે સ્કોચ વ્હિસ્કીની આયાત પરનો ટેરિફ અડધો એટલે કે 75 ટકા કરવામાં આવશે, પરંતુ તેમ છતાં ગ્લેનલિવેટ, બ્લેક લેબલ, ગ્લેનમોરેંગી અને ચિવાસ રીગલ જેવી બ્રાન્ડની સ્કોચનો ભાવ ઘટશે નહી. FTA કરારના ફેરફારો બ્રિટિશ સંસદમાં લાગુ થયા પછી જ ભાવ ઘટાડો થશે. બ્રિટિશ સંસદ આવતા વર્ષે આ કરાર પસાર કરે તેવું અનુમાન છે. એક મીડિયા અહેવાલ અનુસાર સ્કોચ વ્હિસ્કીના ભાવમાં 8થી 10 ટકાનો ઘટાડો થઈ શકે છે, કારણ કે સ્કોચ વ્હિસ્કીનો સંચિત છૂટક ભાવમાં ઇમ્પોર્ટ ડ્યુટીનો ભાગ માત્ર 15થી 20 ટકા જ છે.

દારૂની કંપનીઓએ કરારને આવકાર્યો
બ્રિટિશ સંસદમાં FTA કરાર પસાર કર્યા બાદ આયાત પરનો ટેરિફ ઘટાડીને 75 ટકા કરવામાં આવશે. જે આગામી દસ વર્ષમાં 40 ટકા સુધી ઘટાડવામાં આવશે. ડિયાજીઓ જેવી દારૂની મોટી અને જાણીતી કંપનીઓએ આ નિર્ણયને આવકાર્યો છે. ડિયાજીઓ ઇન્ડિયાના એમડી અને સીઈઓ પ્રવીણ સોમેશ્વરે મીડિયાને જણાવ્યું કે, આ કરારથી દ્વિપક્ષીય વેપાર વધશે અને ભારતમાં પ્રીમિયમ સ્કોચ વ્હિસ્કીની ઉપલબ્ધતા પર સકારાત્મક અસર પડશે અને ભારતીય ગ્રાહકો માટે વિકલ્પો વધશે.”

10 ટકાથી વધારે ઘટાડો થશે નહી
ઇન્ટરનેશનલ સ્પિરિટ્સ એન્ડ વાઇન્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ISWAI)ના સીઈઓ સંજીત પઢીએ જણાવ્યું હતું કે, ભારતમાંથી દારૂની લંડનમાં નિકાસ કરવા પર કોઈ ડ્યુટી નથી, તેથી આ કરાર પહેલા કરતાં વધારે સંતુલિત અને સમાન વ્યવસાયિક માહોલ પૂરો પાડશે.

ઉલ્લેખનીય છે કે, દારૂના ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યાનુસાર આ કરાર બાદ વ્હિસ્કીની કિંમતોમાં 10 ટકાથી વધારે ઘટાડો થશે નહીં, કારણ કે વ્હિસ્કીની એમઆરપી પર કસ્ટમ ડ્યુટીનો 15-20 ટકા ભાગ હોય છે. આ સિવાય રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવતો ટેક્સ અને ડિસ્ટ્રીબ્યુશન માર્જિનનો પણ સમાવેશ થાય છે, તેથી વ્હિસ્કીની કિંમતોમાં માત્ર 8-10 ટકાનો ઘટાડો થશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button