
નવી દિલ્હી/લંડનઃ ભારત અને યુકે આવતીકાલે લંડનમાં એક મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે, જે ચર્મ, ફૂટવેર અને કપડાં જેવા શ્રમ-સઘન ઉત્પાદનોની નિકાસને રાહત દરે મંજૂરી આપશે, જ્યારે બ્રિટનથી વ્હિસ્કી અને કારની આયાત સસ્તી બનાવશે.
આ કરાર ૨૦૩૦ સુધીમાં બંને અર્થતંત્ર વચ્ચેના વેપારને બમણો કરીને ૧૨૦ બિલિયન ડોલર કરવામાં પણ મદદ કરશે. આ કરાર, જેને સત્તાવાર રીતે વ્યાપક આર્થિક અને વેપાર કરાર કહેવામાં આવે છે, તેના પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવશે.
વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને તેમના બ્રિટિશ સમકક્ષ જોનાથન રેનોલ્ડ્સ કરાર પર હસ્તાક્ષર કરશે. એકવાર કરાર પર હસ્તાક્ષર થઈ ગયા પછી, તેને અમલમાં મૂકતા પહેલા બ્રિટિશ સંસદની મંજૂરીની જરૂર પડશે. આ પ્રક્રિયામાં લગભગ એક વર્ષ લાગી શકે છે.
આ પણ વાંચો: ભારત-અમેરિકા વચ્ચે ક્યાં સુધીમાં થઈ શકે છે ટ્રેડ ડીલ? જાણો લેટેસ્ટ અપડેટ
મોદી આજે યુકે અને માલદીવની ચાર દિવસની મુલાકાતે રવાના થયા હતા અને બંને દેશએ ૬ મેના રોજ વેપાર કરાર માટે વાટાઘાટો પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. આ કરારમાં માલ, સેવાઓ, ઇનોવેશન, સરકારી ખરીદી અને ઇન્ટેલિકચુલ પ્રોપર્ટી રાઇટ્સ સહિતના મુદ્દાઓ પર પ્રકરણો છે.
બંને દેશએ ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન એગ્રીમેન્ટ અથવા સામાજિક સુરક્ષા કરાર માટે વાટાઘાટો પણ પૂર્ણ કરી છે. તે બ્રિટનમાં મર્યાદિત સમયગાળા માટે કામ કરતા ભારતીય વ્યાવસાયિકો દ્વારા સામાજિક સુરક્ષા ભંડોળમાં બેવડા યોગદાનને ટાળવામાં મદદ કરશે.
આવા વેપાર કરારોમાં, બે દેશ તેમની વચ્ચે વેપાર કરવામાં આવતા મહત્તમ માલ પર કસ્ટમ ડ્યુટી દૂર કરે છે અથવા નોંધપાત્ર રીતે ઘટાડે છે. તેઓ સેવાઓ અને દ્વિપક્ષીય રોકાણોમાં વેપારને પ્રોત્સાહન આપવા માટેના ધોરણોને પણ સરળ બનાવે છે. કરાર હેઠળ, ૯૯ ટકા ભારતીય નિકાસને યુકે બજારમાં શૂન્ય ડ્યુટીનો લાભ મળશે.
આ પણ વાંચો: ભારત અમેરિકાની ટ્રેડ ડિલ અંતિમ ચરણ પર!, ટ્રમ્પે આપ્યા સંકેત
કરારના મુખ્ય પ્રસ્તાવોમાં બ્રિટિશ વ્હિસ્કી અને જિન પર આયાત ડ્યુટી ૧૫૦ ટકાથી ઘટાડીને ૭૫ ટકા કરવાનો સમાવેશ થાય છે અને તે પછી સોદાના દસ વર્ષ સુધીમાં ૪૦ ટકા સુધી ઘટાડી શકાય છે; ક્વોટા હેઠળ ઓટોમોટિવ ટેરિફ ૧૦૦ ટકાથી વધુથી ઘટાડીને ૧૦ ટકા કરવામાં આવશે.
ઘટાડાવાળી આયાત ડ્યુટી સાથે અન્ય માલ, જે વ્યવસાયો અને ભારતીય ગ્રાહકો માટે વેપાર સસ્તો બનાવી શકે છે, તેમાં કોસ્મેટિક્સ, એરોસ્પેસ, લેમ્બ, તબીબી ઉપકરણો, સૅલ્મોન, ઇલેક્ટ્રિકલ મશીનરી, સોફ્ટ ડ્રિંક્સ, ચોકલેટ અને બિસ્કિટનો સમાવેશ થાય છે.
તે કાપડ, દરિયાઈ ઉત્પાદનો, ચામડું, ફૂટવેર, રમતગમતના સામાન અને રમકડાં, રત્નો અને ઝવેરાત, એન્જિનિયરિંગ સામાન, ઓટો ભાગો અને એન્જિન અને કાર્બનિક રસાયણો જેવા સ્થાનિક શ્રમ-સઘન ક્ષેત્રો માટે નિકાસની તકો ખોલશે.
આ પણ વાંચો: ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મુદ્દે ટ્રમ્પે આપ્યા સંકેત, જાણો કેટલો ટેરિફ લગાવી શકે છે?
સેવાઓના મોરચે, કરાર કરાર આધારિત સેવા સપ્લાયર્સ; વ્યવસાયિક મુલાકાતીઓ; રોકાણકારો; ઇન્ટ્રા-કોર્પોરેટ ટ્રાન્સફરીઓ; કામ કરવાનો અધિકાર ધરાવતા ઇન્ટ્રા-કોર્પોરેટ ટ્રાન્સફરીઓના ભાગીદારો અને આશ્રિત બાળકો; અને યોગ પ્રશિક્ષકો, સંગીતકારો અને રસોઇયા જેવા સ્વતંત્ર વ્યાવસાયિકો સહિત વ્યાવસાયિકો માટે ગતિશીલતાને સરળ બનાવે છે.
૨૦૨૪-૨૫માં ભારતની યુકેમાં નિકાસ ૧૨.૬ ટકા વધીને ૧૪.૫ અબજ ડોલર થઈ છે, જ્યારે આયાત ૨.૩ ટકા વધીને ૮.૬ અબજ ડોલર થઈ છે. ભારત અને યુકે વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૨૦૨૩-૨૪માં વધીને ૨૧.૩૪ અબજ ડોલર થયો છે જે ૨૦૨૨-૨૩માં ૨૦.૩૬ અબજ ડોલર હતો.