
નવી દિલ્હી : ભારતમાં એક તરફ દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ દસ્તક આપી છે. ત્યારે હવે રાજયમાં ઝડપથી હવામાન બદલાઇ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ સક્રિય બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમના લીધે આગામી સાત દિવસમાં અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે.
ઉત્તર પૂર્વ ભારતના ઘણા ભાગોને આવરી લીધા
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ છત્તીસગઢ, ઓડિશા, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી, સિક્કિમ અને ઉત્તર પૂર્વ ભારતના ઘણા ભાગોને આવરી લીધા છે. આગામી 1-2 દિવસમાં પશ્ચિમ બંગાળ અને બિહારના ઘણા જિલ્લાઓમાં ચોમાસાને આગળ વધારવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ બની રહી છે.
બંગાળની ખાડીમાં ડિપ્રેશન ઝોન રચાયો
બંગાળની ખાડીના ઉત્તર-પશ્ચિમ ભાગમાં ડીપ ડિપ્રેશન ઝોનની રચના થઈ છે. જે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોની નજીક છે. જેના કારણે આ વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાય તેવી શક્યતા છે.
ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાનો છે. જેના કારણે આખા રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં અને વરસાદી ટ્રફ લાઈન પસાર થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે
કેરળ- કર્ણાટકમાં 30 મે થી 1 જૂન સુધી ભારે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ભારતમાં કેરળ- કર્ણાટકમાં 30 મે થી 1 જૂન સુધી ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણામાં 30-31 મેના રોજ હળવાથી મધ્યમ વરસાદ, પવનની ગતિ 40-50 કિલોમીટર રહેશે.
ત્રિપુરામાં આગામી 7 દિવસ સુધી સતત વરસાદ
જયારે પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતના આસામ, મેઘાલય, અરુણાચલ, મણિપુર, ત્રિપુરામાં આગામી 7 દિવસ સુધી સતત વરસાદ પડવાની સંભાવના છે.પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, બિહાર, છત્તીસગઢમાં 30 મે થી 1 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદ શકયતા છે.
હિમાચલમાં પવન સાથે ભારે વરસાદની સંભાવના
આ ઉપરાંત ઉત્તર ભારતના દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. રાજસ્થાન યુપીમાં 30 મે થી 2 જૂન સુધી હવામાન ખરાબ રહેશે
ઉત્તર પશ્ચિમ ભારતમાં તાપમાન હાલ સ્થિર
મધ્યપ્રદેશમાં 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં તાપમાન હાલ સ્થિર રહેશે.પરંતુ આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં 2-4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. તેનાથી વિપરીત મધ્ય ભારતમાં આગામી થોડા દિવસોમાં ગરમીમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની ધારણા છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં ખાસ કરીને બાડમેરમાં હીટવેવની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો….કેરળમાં ભારે વરસાદથી વ્યાપક નુકસાનઃ આઠ જિલ્લામાં રેડ એલર્ટ