5 રાજ્યોમાં ચૂંટણી પછી I.N.D.I.A ગઠબંધનમાં બેઠકોની વહેંચણી પર ધ્યાન આપીશુઃ ખડગે
કલબુર્ગીઃ ભાજપને કેન્દ્રીય સત્તામાંથી હટાવવા માટે વિપક્ષી પાર્ટીઓએ I.N.D.I.A ગઠબંધન કર્યું છે. જોકે, જ્યારથી I.N.D.I.A ગઠબંધન થયું છે ત્યારથી આ ગઠબંધનમાં સામેલ પક્ષોમાં નારાજગીના અહેવાલો છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે તાજેતરમાં કોંગ્રેસના વલણ પર નારાજગી વ્યક્ત કરી હતી. હવે આ અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે અમે 5 રાજ્યોમાં ચૂંટણી પછી I.N.D.I.A ગઠબંધનમાં બેઠકોની વહેંચણીના મુદ્દા પર ધ્યાન આપીશું.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે કોંગ્રેસ તમામ પાંચ રાજ્યોમાં સરકાર બનાવશે. ખડગેએ કહ્યું કે, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારો પોતાનું કામ યોગ્ય રીતે કરી રહી છે અને ત્યાંના લોકો સરકારના કામથી સંતુષ્ટ છે.
તેમણે આરોપ લગાવ્યો કે ભાજપે જનતાને જે પણ વચનો આપ્યા છે. તેમાંથી એકેય વાયદો પૂરો થયો નથી. પછી તે બેરોજગારી હોય કે ખેડૂતોની આવક બમણી કરવી. ખડગેએ વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકાર કર્ણાટકની સતત અવગણના કરી રહી છે. કર્ણાટકને કોઈ કેન્દ્રીય પ્રોજેક્ટ આપવામાં આવી રહ્યો નથી.