ભારત 2038માં બનશે બીજી મોટી અર્થવ્યવસ્થા! કોના રિપોર્ટે કર્યો દાવો?

ભારત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૌથી મોટું સપનુ છે. જ્યારે હવે ભારત આ સપનાથી આગળ એક ડગલું ભરવા માટે તૈયાર છે. આવુ EY ઈકોનોમી વોચ રિપોર્ટમાં જાણવા મળી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે, ભારતની અર્થવ્યવસ્થા 2030 સુધીમાં 20.7 ટ્રિલિયન ડોલર અને 2038 સુધીમાં 34.2 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. યુવા વસ્તી, ઉચ્ચ બચત દર અને સતત ચાલી રહેલા માળખાગત સુધારાઓ ભારતની આર્થિક વૃદ્ધિના મુખ્ય પરિબળો છે. આ રિપોર્ટ દર્શાવે છે કે ભારત આગામી 13 વર્ષમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં 4.19 ટ્રિલિયન ડોલરના નોમિનલ જીડીપી સાથે ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. IMFના અંદાજ મુજબ, 2028-2030 દરમિયાન ભારત 6.5% અને અમેરિકા 2.1%ના સરેરાશ વૃદ્ધિ દર જાળવી રાખશે, તો 2038 સુધીમાં ભારત પરચેઝિંગ પાવર પેરિટી (PPP)ની દ્રષ્ટિએ અમેરિકાને પાછળ છોડી શકે છે. 28.8 વર્ષની સરેરાશ ઉંમર, ઉચ્ચ બચત અને રોકાણ દર તેમજ 2024માં 81.3%થી ઘટીને 2030 સુધીમાં 75.8% થનારું દેવું-જીડીપી રેશિયો ભારતની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે.
જીએસટી, ઈન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ (IBC), UPI-આધારિત નાણાકીય સમાવેશ અને પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) જેવા સુધારાઓએ ભારતની સ્પર્ધાત્મકતા વધારી છે. આ સુધારાઓ ઉદ્યોગોને વધુ મજબૂત બનાવે છે અને નિકાસમાં વૈવિધ્યતા લાવે છે. EY ઈન્ડિયાના ચીફ પોલિસી એડવાઈઝર ડી.કે. શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, ભારતની યુવા અને કુશળ કર્મચારી વર્ગ, મજબૂત બચત દર અને ટકાઉ દેવું પ્રોફાઈલ વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ ઉચ્ચ વૃદ્ધિ જાળવી રાખશે.
ચીનની અર્થવ્યવસ્થા 2030 સુધીમાં PPPની દ્રષ્ટિએ 42.2 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાની આશા છે, પરંતુ વૃદ્ધ વસ્તી અને વધતું દેવું તેના માટે પડકારો છે. અમેરિકાની અર્થવ્યવસ્થા મજબૂત છે, પરંતુ 120%થી વધુનું દેવું-જીડીપી રેશિયો અને ધીમી વૃદ્ધિ તેને અસર કરે છે. જર્મની અને જાપાન વૃદ્ધ વસ્તી અને વૈશ્વિક વેપાર પર નિર્ભરતાને કારણે મર્યાદિત છે. ભારત 2028 સુધીમાં માર્કેટ એક્સચેન્જ રેટની દ્રષ્ટિએ જર્મનીને પાછળ છોડી ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.
અમેરિકાના સંભવિત ટેરિફ જેવા પડકારો, જે ભારતના જીડીપીના 0.9%ને અસર કરી શકે છે, તેની અસર માત્ર 0.1%ના વૃદ્ધિ ઘટાડા સુધી સીમિત રહેવાની આશા છે. મજબૂત સ્થાનિક માંગ અને નિકાસની વૈવિધ્યતાને કારણે ભારત આવા પડકારોનો સફળતાપૂર્વક સામનો કરી શકે છે. 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ના લક્ષ્યને હાંસલ કરવા માટે ભારતની પ્રગતિ અને નવી ટેક્નોલોજીમાં ક્ષમતા વધારવી નિર્ણાયક રહેશે.