દેશમાં ‘શિક્ષણ ક્રાંતિ’: પ્રથમવાર શિક્ષકોની સંખ્યા 1 કરોડને પાર, સરકારે જાહેર કર્યા આંકડા

નવી દિલ્હીઃ 2024-25ના શૈક્ષણિક સત્રમાં દેશભરમાં સ્કૂલના શિક્ષકોની સંખ્યા પ્રથમવાર એક કરોડને પાર થઈ ગઈ છે. શિક્ષણ મંત્રાલયે આ જાણકારી આપી હતી. શિક્ષણ મંત્રાલયના રિપોર્ટ અનુસાર, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તર પર 2024-25 દરમિયાન શાળા છોડી દેવાના દરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે “શિક્ષકોની સંખ્યામાં વધારો એ વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તરમાં સુધારો, ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા અને શિક્ષકોની ઉપલબ્ધતામાં પ્રાદેશિક અસમાનતાને દૂર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. 2022-23 અને રિપોર્ટિંગ વર્ષથી આ સંખ્યા સતત વધી રહી છે. 2022-23ની સરખામણીમાં રિપોર્ટિંગ વર્ષ દરમિયાન શિક્ષકોની સંખ્યામાં 6.7 ટકાનો વધારો થયો છે.”
યુડીઆઇએસઈ પ્લસ અનુસાર, પાયાના, પ્રારંભિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર (પીટીઆર) હવે અનુક્રમે 10, 13, 17 અને 21 તરીકે નોંધાયેલ છે, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) ના ભલામણ કરેલ 1:30 ના ગુણોત્તરની તુલનામાં નોંધપાત્ર રીતે સુધારેલ ગુણોત્તર છે.
આ પણ વાંચો: ગુજરાતમાં શૂન્ય વિદ્યાર્થીવાળી શાળાઓ સરકાર કરશે બંધ: શિક્ષણ વિભાગનો આદેશ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે “આ શાનદાર પીટીઆર શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે વધુ વ્યક્તિગત ધ્યાન અને મજબૂત વાતચીતને સરળ બનાવે છે, જેનાથી શીખવાના સારો અનુભવ અને સારા શૈક્ષણિક પરિણામો મળે છે. શૈક્ષણિક વર્ષ 2024-25 માં છેલ્લા બે વર્ષો એટલે કે 2022-23 અને 2023-24ની સરખામણીમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરોમાં ડ્રોપઆઉટ દરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
પ્રાથમિક ચરણમાં આ દર ગત વર્ષની સરખામણીમાં 3.7 ટકાથી ઘટીને 2.3 ટકા, માધ્યમિક તબક્કામાં 5.2 ટકાથી ઘટીને 3.5 ટકા અને ઉચ્ચતર માધ્યમિક તબક્કામાં 10.9 ટકાથી ઘટીને 8.2 ટકા થયો છે.
આ પણ વાંચો: …પણ જીવન ઘડતરના શિક્ષણનું શું?
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે “આ ઘટાડો બાળકોને તેમના શિક્ષણમાં વ્યસ્ત રાખવાના હેતુથી કરવામાં આવતી યોજનાઓની સફળતાને પ્રતિબિંબિત કરે છે. તમામ સ્તરે સતત ઘટાડો સૂચવે છે કે શાળાઓ વિદ્યાર્થીઓની જરૂરિયાતો પ્રત્યે વધુ સહયોગી અને ઉત્તરદાયી બની રહી છે, જે વ્યવસ્થામાંથી અગાઉ કરતા સ્કૂલ ડ્રોપઆઉટમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
શૈક્ષણિક વર્ષ 2024-25માં તમામ શૈક્ષણિક સ્તરો – પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં વિદ્યાર્થીઓના રિટેન્શનમાં સકારાત્મક વલણ દર્શાવવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીમાં રીટેન્શન દરમાં નોંધપાત્ર સુધારો થયો છે, જે આધારભૂત સ્તરે 98.0 ટકાથી વધીને 98.9 ટકા, પ્રારંભિક સ્તરે 85.4 ટકાથી વધીને 92.4 ટકા, માધ્યમિકક સ્તરે 78.0 ટકાથી વધીને 82.8 ટકા અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે 45.6 ટકાથી વધીને 47.2 ટકા થયો છે.