અરુણાચલ પર પાક.ની દખલગીરી, ભારતે યુએનમાં અફઘાનિસ્તાનને આપ્યું સમર્થન

પાકિસ્તાન અત્યાર સુધી માત્ર કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉકેલવા માટે આતુર દેખાતું હતું, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. તાજેતરમાં, પાકિસ્તાને સત્તાવાર નિવેદન બહાર પાડીને અરુણાચલ પ્રદેશના મુદ્દે ચીનને ખુલ્લો સાથ આપ્યો હતો. પાકિસ્તાનના આ પગલાં બાદ ભારતે પણ તરત જ પ્રતિક્રિયા આપી છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચર્ચા દરમિયાન પાકિસ્તાનનું નામ લીધા વિના તેના પર સીધો હુમલો કર્યો, અને આ વખતે ખુલ્લેઆમ તાલિબાન સરકારના સમર્થનમાં વાત કરી.
અફઘાનિસ્તાન પરની ચર્ચા દરમિયાન ભારતના સ્થાયી પ્રતિનિધિ હરીશે તાજેતરના હવાઈ હુમલાઓમાં નિર્દોષ મહિલાઓ, બાળકો અને ક્રિકેટરોનાં મોતની સખત નિંદા કરી. તેમણે સ્પષ્ટ કર્યું કે આવા હુમલા આંતરરાષ્ટ્રીય કાયદા અને યુએન ચાર્ટરનું ખુલ્લું ઉલ્લંઘન છે, જે એક સંઘર્ષગ્રસ્ત દેશને વધુ નુકસાન પહોંચાડી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભારતે આ પહેલીવાર અફઘાનિસ્તાનના સમર્થનમાં આટલા સખત શબ્દોમાં વાત કરી છે, જે બંને દેશો વચ્ચેના વધતા સંબંધોનો પુરાવો છે. ભારતે ટ્રેડ અને ટ્રાન્ઝિટ ટેરરિઝમનો મુદ્દો પણ ઉઠાવ્યો, જેનો સ્પષ્ટ ઈશારો પાકિસ્તાન તરફ હતો.
ભારતે યુએનમાં જણાવ્યું કે કેવી રીતે એક લેન્ડલોક દેશની જીવનરેખાને બંધ કરવીએ WTO (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન) ના નિયમોની વિરુદ્ધ છે અને તે યુદ્ધ જેવી કાર્યવાહી ગણી શકાય. ભારતે અફઘાનિસ્તાનની ક્ષેત્રીય અખંડિતતા, સાર્વભૌમત્વ અને સ્વતંત્રતાને મજબૂત સમર્થન આપ્યું. આ સાથે, ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને સાથે મળીને ISIL, અલ-કાયદા, લશ્કર-એ-તૈયબા (LeT), જૈશ-એ-મોહમ્મદ (JeM) અને તેમના પ્રોક્સી જેવા આતંકવાદી સંગઠનોને સરહદ પારથી આતંકવાદ ફેલાવતા અટકાવવા માટે કામ કરવા જણાવ્યું હતું.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા તાહિર અંદ્રાબીએ તાજેતરમાં સત્તાવાર નિવેદન જારી કરીને ચીનની સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડિતતાને સમર્થન આપ્યું હતું. ચીન, ભારતનાં અરુણાચલ પ્રદેશને ઝાંગનાન કહે છે. પાકિસ્તાન દ્વારા આ મુદ્દે ચીનનો સાથ આપવો એ ભારતના આંતરિક મામલામાં દખલ દેવાનો સ્પષ્ટ પ્રયાસ હતો. પાકિસ્તાનની આ મૂર્ખતાભરી ચાલને કારણે ભારતે હવે પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંબંધિત મામલાઓમાં હસ્તક્ષેપ કરવા માટે ખુલ્લું મેદાન મળી ગયું છે.
ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલે પણ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરી હતી કે અરુણાચલ પ્રદેશ પર ચીનને સમર્થન આપીને પાકિસ્તાને ભારતને ડ્યુરંડ રેખાના મામલે અફઘાનિસ્તાનની સ્થિતિને સમર્થન આપવા માટેનો આધાર તૈયાર કરી આપ્યો છે. હવે યુએનમાં ભારત અફઘાનિસ્તાનમાં થઈ રહેલા પાકિસ્તાનના હુમલાઓને ખોટા ઠેરવી રહ્યું છે, જે એક મોટો રાજદ્વારી બદલાવ છે. આ પહેલા ભારત ક્યારેય પાકિસ્તાન-અફઘાનિસ્તાનના મુદ્દા પર આટલા સખત સત્તાવાર નિવેદનો આપતું ન હતું. પાકિસ્તાનના નિવેદને ભારતને ડ્યુરંડ રેખા અને માનવાધિકાર ઉલ્લંઘનના મામલે અફઘાનિસ્તાનને ખુલ્લો ટેકો આપવાનો અધિકાર આપી દીધો છે, અને હવે ભારત બલોચિસ્તાન પર પણ પોતાનો સ્ટેન્ડ લઈ શકે છે.
આપણ વાંચો: અમેરિકા પછી હવે આ દેશે ભારતના માલ પર ઠોકી દીધો 50 ટકા ટેરિફ, 6 અબજ ડોલરની નિકાસને પડશે ફટકો



