દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ની ધરપકડ અને કોર્ટ સુનાવણી અંગે ટીપ્પણી કર્યા બાદ, અમેરિકાએ હવે કોંગ્રેસના બેંક અકાઉન્ટ ફ્રિઝ થઇ જવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. કેજરીવાલ અંગેની ટીપ્પણી સામે ભારતે વાંધો ઉઠાવ્યો હતો, ભારતના વિદેશ મંત્રાલયે બુધવારે યુએસ રાજદ્વારીને સમન્સ પાઠવ્યું હતું. ભારતે આ મામલાને આંતરિક મુદ્દો ગણાવ્યો હતો. તેમ છતાં ફરી અમેરિકા તરફથી ભારતની ચૂંટણી પ્રક્રિયા અંગે ટીપ્પણી કરવામાં આવી છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલર નવી દિલ્હીમાં યુએસ એમ્બેસીના કાર્યકારી ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ ગ્લોરિયા બાર્બેનાને મોકલવામાં આવેલા સમન્સ અને કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતાઓ ફ્રીઝ કરવા અંગેના પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. મિલરે કહ્યું કે અમે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ સહિત આ કાર્યવાહી પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.
મેથ્યુ મિલરે જણાવ્યું કે અમે કોંગ્રેસ પાર્ટીના આક્ષેપોથી પણ વાકેફ છીએ કે ટેક્સ ડીપાર્ટમેન્ટએ તેમના કેટલાક બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે, જેથી આગામી ચૂંટણીમાં પાર્ટી માટે અસરકારક રીતે પ્રચાર કરવો પડકારરૂપ બની જશે. અમે આ દરેક મુદ્દા માટે ન્યાયીક, પારદર્શક અને સમયસર કાયદાકીય પ્રક્રિયા થાય એવી અપેક્ષા રાખીએ છીએ. તેમણે કહ્યું કે અમને નથી લાગતું કે આની સામે કોઈને કોઈ વાંધો હોવો જોઈએ.
ભારતના આંતરિક મામલામાં દખલ કરવા બદલ ભારતમાં અમેરિકી રાજદૂતને બોલાવવામાં આવ્યા હતા. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે ભારતમાં કેટલીક કાયદાકીય કાર્યવાહી અંગે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાની ટિપ્પણી સામે સખત વાંધો ઉઠાવીએ છીએ. કોઈપણ દેશ અન્ય દેશોના સાર્વભૌમત્વ અને આંતરિક બાબતોનું સન્માન કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. જો આ બાબત સાથી લોકશાહી દેશોને લગતી હોય તો આ જવાબદારી વધુ વધી જાય છે. જો આવું ન થાય, તો ખોટા ઉદાહરણો સેટ કરવામાં આવે છે.
Also Read:
https://bombaysamachar.com/national/after-germany-usa-commented-on-arvind-kejriwal-arrest/
ભારતની કાયદાકીય પ્રક્રિયાઓ સ્વતંત્ર ન્યાયતંત્ર પર આધારિત છે. ન્યાયતંત્ર પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી.
અમેરિકા પહેલા જર્મનીએ પણ કેજરીવાલની ધરપકડ પર ટિપ્પણી કરી હતી. ભારતે આનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને જર્મન એમ્બેસીના ડેપ્યુટી ચીફને સમન્સ પાઠવ્યું હતું.