ભારતે કેનેડાના નાગરિકોને વિઝા આપવાનું બંધ કર્યું
ભારતીય હાઇ કમિશન અને કૉન્સ્યુલેટ્સની સુરક્ષાનું જોખમ: વિદેશ મંત્રાલય
નવી દિલ્હી: અહીં વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે જણાવ્યું હતું કે કેનેડામાંના ભારતીય હાઇ કમિશન અને કૉન્સ્યુલેટ્સ સલામતી સામેના જોખમને ધ્યાનમાં રાખીને હાલમાં કેનેડાના નાગરિકોની દરેક પ્રકારની વિઝાની અરજીઓ પર કામ કરી નહિ શકે અને તેથી બધા પ્રકારના વિઝા આપવાનું કામ કામચલાઉ બંધ કરાયું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ત્રીજા (કેનેડા અને ભારત સિવાયના) દેશમાંના કેનેડાના નાગરિકોને ભારતના વિઝા આપવાનું કામ પણ અટકાવાયું છે. કેનેડાએ પોતાને ત્યાંની ખાલિસ્તાન-તરફી પ્રવૃત્તિ રોકવી જોઇએ.
તેમણે જણાવ્યું હતું કે અમે કેનેડામાંની પરિસ્થિતિની સતત સમીક્ષા કરતા રહીશું. કેનેડામાં ચાલતી ભારત-વિરોધી પ્રવૃત્તિને લગતી ચોક્કસ માહિતી કેનેડા સરકારને આપી છે. અમને ભારતમાંના કેનેડાના રાજદ્વારીઓની સંખ્યામાં ઘટાડો થવાની આશા છે. હાલમાં ભારતમાંના કેનેડાના રાજદ્વારીઓની સંખ્યા કરતાં કેનેડામાંના ભારતના રાજદ્વારીઓની સંખ્યા ઓછી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે અમારા અગ્રણી સાથી દેશોને પણ કેનેડા સાથેની રાજદ્વારી મડાગાંઠની માહિતી પૂરી પાડી છે.
આમ છતાં, તેમણે સ્પષ્ટતા કરી હતી કે ભારતના વિઝા અને ઑવરસીઝ
સિટિઝનશિપ ઑફ ઇન્ડિયા (ઓસીઆઇ) કાર્ડ જેવા દસ્તાવેજો ધરાવતા કેનેડાના લોકો ભારતનો પ્રવાસ છૂટથી કરી શકે છે.
અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે કેનેડામાંના ભારતીયો સામેની હિંસા અને ભારત-વિરોધી પ્રવૃત્તિ સામે ત્યાંના સત્તાવાળા જરૂરી કાર્યવાહી નથી કરતા અને તેને લીધે કેનેડામાંના ભારતીય હાઇ કમિશન અને કૉન્સ્યુલેટ્સની કામગીરી સુરક્ષાના કારણસર ખોરવાઇ છે.
અગાઉ, ભારતેે કેનેડાના નાગરિકોની વિઝાની પ્રાથમિક ચકાસણી કરવા રાખેલી ખાનગી એજન્સીએ વિઝાની કામગીરી કામચલાઉ બંધ કરવાની જાણકારી આપતી નોટિસ પોતાની વૅબસાઇટ પર મૂકી હતી અને તે થોડા કલાક પછી કાઢી નાખી હતી અને તેના અમુક કલાક પછી પાછી વૅબસાઇટ પર મૂકી હતી.
‘બીએસએલ ઇન્ટરનેશનલ’ નામની આ એજન્સીએ કેનેડામાં ભારતના વિઝા આપવાનું બંધ કરાયું હોવાની જાણકારી શૅરબજારોને પણ આપી હતી.
કેનેડામાં ખાલિસ્તાની ભાગલાવાદી નેતા હરદીપસિંહ નિજ્જરની જૂનમાં થયેલી હત્યામાં ભારત સરકારના ઍજન્ટનો હાથ હોવાનું કહેતા કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આક્ષેપને પગલે દ્વિપક્ષી સંબંધ વણસ્યા હતા.
ભારત સરકારે કેનેડાના આ આક્ષેપ નકાર્યા હતા. તે પછી બન્ને દેશે એકબીજાના અમુક રાજદ્વારીઓની હકાલપટ્ટી કરી હતી.
ભારત અને કેનેડાએ પોતાના નાગરિકોને એકબીજાના દેશમાં જવા સામે ચેતવણી આપી હતી અને સલામતીનું જોખમ હોવાનો આક્ષેપ કર્યો હતો.
અગાઉ, ખાલિસ્તાનવાદીઓએ કેનેડામાંના હિંદુ મંદિરો પર પણ હુમલો કર્યો હતો અને મંદિરોની દીવાલો પર ખાલિસ્તાન-તરફી અને ભારત-વિરોધી સૂત્રો લખ્યા હતા. (એજન્સી)