ભારતે યુએનમાં પાકિસ્તાનને ઝાટક્યું: કાશ્મીર મુદ્દે ‘સંકુચિત માનસિકતા’ છોડવાની કડક ચેતવણી…

નવી દિલ્હીઃ ભારતે ગુરૂવારે સંયુક્ત રાષ્ટ્રમાં ઇસ્લામાબાદના રાજદૂત દ્વારા જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં આવતા પાકિસ્તાનને ઝાટકી કાઢ્યું હતું. ભારતે પાકિસ્તાન પર વિભાજનકારી એજન્ડાને આગળ ધપાવવા માટે વારંવાર યુએન પ્લેટફોર્મનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિએ મહાસભામાં પોતાના ભાષણ દરમિયાન જમ્મુ અને કાશ્મીરનો ઉલ્લેખ કર્યો, ત્યારબાદ ભારતની આ પ્રતિક્રિયા આવી હતી. ભારતે કહ્યું કે આ ટિપ્પણીઓ બિનજરૂરી હતી અને જમીની વાસ્તવિકતાઓથી ક્યાંય દૂર હતી.

સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પૂર્ણ સત્રમાં સંગઠનના કાર્ય પર મહાસચિવના અહેવાલ પર ભારતનું રાષ્ટ્રીય નિવેદન આપતા યુએનમાં ભારતના કાયમી મિશનના કાઉન્સેલર એલ્ડોસ મેથ્યુ પુન્નૂસે જણાવ્યું કે પાકિસ્તાને બહુપક્ષીય મંચોનું રાજકીયકરણ કરવાનું હજુ પણ યથાવત રાખ્યું છે.
પુન્નૂસે કહ્યું કે એવા સમયે જ્યારે સભ્ય દેશોએ તેમની સંકુચિત માનસિકતાથી ઉપર ઉઠવું જોઇએ ત્યારે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રના તમામ મંચ અને પ્રક્રિયાઓનો દુરુપયોગ કરીને તેના વિભાજનકારી એજન્ડાને આગળ વધારી રહ્યું છે.
પાકિસ્તાન દ્વારા આ પ્રદેશના ઉલ્લેખનો વિરોધ કરતા પુન્નૂસે જમ્મુ અને કાશ્મીર પર ભારતના લાંબા સમયથી ચાલતા વલણ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આ ફોરમ કોઇ અપવાદ નથી અને પાકિસ્તાને બિનજરૂરી રીતે જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશનો ઉલ્લેખ કર્યો છે. જે ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે.
ભારતનો આ પ્રતિભાવ પાકિસ્તાન દ્વારા વિવિધ સંયુક્ત રાષ્ટ્ર મંચો પર જમ્મુ અને કાશ્મીર મુદ્દાને ઉઠાવવાના વારંવાર પ્રયાસો બાદ આવ્યો છે. જે અંગે નવી દિલ્હીનું કહેવું છે કે તેને બહુ આંતરરાષ્ટ્રીય સમર્થન મળ્યું નથી. પુન્નૂસે આત્મનિર્ણયના મુદ્દે પણ વાત કરી હતી. તેમણે અલગતાવાદી કહાનીઓને ન્યાયી ઠેરવવા માટે તેનો દુરુપયોગ કરવા સામે ચેતવણી આપી હતી.



