
ન્યુયોર્ક : ભારતે જમ્મુ કાશ્મીરના પહલગામ હુમલા બાદ ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમજ આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનના આતંકવાદના ચહેરાને બેનકાબ પણ કર્યો છે. ત્યારે હવે ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનને ફરી એક વાર લતાડ્યુ છે. ભારતે પાકિસ્તાનને કટ્ટરપંથી અને આતંકવાદમાં ગળાડૂબ દેશ ગણાવ્યો છે.
પાકિસ્તાન કટ્ટરપંથ અને આતંકવાદમાં ડૂબેલો દેશ
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જે બેઠકની અધ્યક્ષતા ખુદ પાકિસ્તાન કરી રહ્યું છે. તેમાં જ ભારતે તેને આતંકવાદ વિરુદ્ઘ જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતે જણાવ્યું કે પાકિસ્તાન સીમા પાર આતંકવાદને પ્રોત્સાહિત કરે છે. જેની તેમને ગંભીર કિંમત ચુકવવી પડશે. ભારતે કહ્યું કે પાકિસ્તાન કટ્ટરપંથ અને આતંકવાદમાં ડૂબેલો દેશ છે.
આપણ વાંચો: અમેરિકા ફરી યુનેસ્કોથી અલગ: ઇઝરાયલ-વિરોધી વલણનો આરોપ મૂકી નિર્ણય લીધો…
આતંકવાદ નાબુદ કરવા સિદ્ધાંતોનું પાલન કરવું જરૂરી
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધી હરીશ પરવતનેનીએ જણાવ્યું હતું કે, જયારે આપણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની વાત કરીએ છીએ ત્યારે તેના સિદ્ધાંતોનું વૈશ્વિક સ્તરે સન્માન થવું પણ જરૂરી છે. જેમાંથી એક મહત્વનો સિદ્ધાંત આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આ ચર્ચાનો વિષય ” બહુપક્ષવાદ અને શાંતિપૂર્ણ સમાધાન” ના માધ્યમથી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને વધારવાનો છે. 15 જુલાઈથી ચાલી રહેલી આ બેઠકનું પ્રતિનિધિત્વ પાકિસ્તાન ખુદ કરી રહ્યું છે.