SIR મુદ્દે ચાલી રહેલા ગતિરોધ વચ્ચે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંધનામું રજુ કર્યું, કહ્યું તમામ આક્ષેપો રાજકીય

નવી દિલ્હી : દેશના ચૂંટણી પંચ દ્વારા શરુ કરવામાં આવેલા મતદાર યાદીની પુન: ચકાસણી( SIR)અનેક રાજ્યોએ વિરોધ દર્શાવ્યો છે. તેમજ તેમાં પણ પશ્ચિમ બંગાળમાં તેનો આક્રમક રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના પગલે ચૂંટણી પંચે આજે આ અંગે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરી છે. તેમજ SIR મુદ્દે પશ્ચિમ બંગાળ દ્વારા રજુ કરવામાં આવી રહેલી વિગતો પાયાવિહોણી હોવાનું જણાવ્યું હતું. તેમજ કહ્યું હતું કે આ માત્ર રાજકીય લાભ મેળવવામાં કરવામાં આવતા આક્ષેપ છે. પશ્ચિમ બંગાળમાં કહેવામાં આવ્યું હતું કે એસઆઈઆરના લીધે અનેક મતદારો મતાધિકાર વંચિત રહેશે.
સાંસદ ડોલા સેને જાહેર હિતની અરજી કરી હતી
આ સમગ્ર કેસની વિગત મુજબ SIR મુદ્દે સાંસદ ડોલા સેને 24 જૂન અને 27 ઓક્ટોબર, 2025 ના રોજના SIR આદેશોની માન્યતાને પડકારતી જાહેર હિતની અરજી દાખલ કરી છે. જયારે ચૂંટણી પંચ દ્વારા દાખલ કરાયેલી એફિડેવિટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ પ્રક્રિયા બંધારણીય રીતે ફરજિયાત અને નિયમિતપણે હાથ ધરવામાં આવે છે.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં SIR મુદ્દે મમતા બેનર્જી આક્રમક, કહ્યું બંગાળ મેળવવામાં ગુજરાત ગુમાવવું પડશે
મતદાર યાદીઓમાં ખાસ સુધારા કરવા માટે સત્તા
ચૂંટણી પંચ દલીલ કરે છે કે ટી.એન. શેષન, સીઈસી વિરુદ્ધ ભારત (1995) માં સુપ્રીમ કોર્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત મતદાર યાદીઓની ચોકસાઈ અને અખંડિતતાને સુનિશ્ચિત કરવા માટે આ પ્રક્રિયા જરૂરી છે. કમિશને ભારપૂર્વક જણાવ્યું હતું કે SIR બંધારણની કલમ 324 અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1950 ની કલમ 15, 21 અને 23 પર આધારિત છે.જે ચૂંટણી પંચને જરૂર પડ્યે મતદાર યાદીઓમાં ખાસ સુધારા કરવા માટે સત્તા આપે છે.
મતદારોની ખોટી એન્ટ્રીઓનું જોખમ વધ્યું
આ એફિડેવિટમાં ચૂંટણી પંચ જણાવ્યુ છે કે, વર્ષ 1950ના દાયકાથી સમયાંતરે સમાન સુધારા કરવામાં આવ્યા છે. જેમાં વર્ષ 1962-66, 1983-87, 1992, 1993, 2002 અને 2004 જેવા વર્ષોમાં રાષ્ટ્રવ્યાપી સુધારાનો સમાવેશ થાય છે. છેલ્લા બે દાયકામાં ઝડપી શહેરીકરણ અને મતદારોની ગતિશીલતામાં વધારો થવાને કારણે મતદાર યાદીમાં મોટા પાયે ઉમેરા અને નામ કમી કરાવવી એક નિયમિત પ્રથા બની ગઈ છે. જેના કારણે ખોટી એન્ટ્રીઓનું જોખમ વધી રહ્યું છે. કમિશને જણાવ્યું હતું કે આ ચિંતાઓ અને દેશના રાજકીય પક્ષો તરફથી સતત ફરિયાદોને કારણે રાષ્ટ્રીય સ્તરે SIR લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.



