નવી દિલ્હી: ઓરી અને રુબેલા રોગોના (measles and rubella diseases) નિવારણ માટે ભારતને અમેરિકામાં સન્માન મળ્યું છે. વોશિંગ્ટન ડીસીમાં અમેરિકન રેડ ક્રોસ હેડક્વાર્ટર ખાતે ધ મીઝલ્સ એન્ડ રૂબેલા પાર્ટનરશિપ દ્વારા ભારતને મીઝલ્સ એન્ડ રૂબેલા ચેમ્પિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું. એમ્બેસેડર શ્રીપ્રિયા રંગનાથને ભારત વતી સન્માન મેળવ્યું. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ આ માટે ભારતને અભિનંદન પાઠવ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (UIP) હેઠળ દેશમાં ઓરી અને રૂબેલા સામે રસીકરણ કરવામાં આવી રહ્યું છે. તમામ પડકારો હોવા છતાં, ભારતે નોંધપાત્ર પ્રોગ્રેસ કર્યું છે અને છેલ્લા 12 મહિનામાં 50 જિલ્લામાં ઓરીનો એક પણ કેસ નોંધાયો નથી.
અમેરિકન રેડ ક્રોસ, BMGF, GAVI, US CDC, UNF, UNICEF અને WHO વૈશ્વિક સ્તરે ઓરીના મૃત્યુને ઘટાડવા અને રૂબેલા રોગને રોકવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે.