શું ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે? જાણો વિદેશ મંત્રાલયનો સત્તાવાર જવાબ

નવી દિલ્હી: ભારત અને અમેરિકાની વચ્ચે લાંબા સમયગાળાથી ચાલેલી વાટાઘાટ પછી આખરે ટ્રેડને લઈ સહમતિ સાધવામાં આવી હતી. અમેરિકાએ ભારત પર આયાત ટેરિફ ઘટાડીને 18 ટકા કરી હતી, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પવતીથી દાવો કરવામાં આવ્યો હતો કે રશિયા પાસેથી હવે ભારત તેલ ખરીદવાનું બંધ કરી દેશે. અમેરિકાએ ભારતના એનર્જી સિક્યોરિટી મુદ્દે મોટો દાવો કર્યો હતો, પરંતુ ટ્રમ્પના આ દાવા મુદ્દે વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે.
ટ્રમ્પ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે અને વેનેઝુએલા અથવા અમેરિકા પાસેથી તેલ ખરીદશે. ભારત સરકારે આ મુદ્દે સ્પષ્ટ અને સંતુલિત નિવેદન આપ્યું છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારતની એનર્જી પોલિસી કોઈ રાજકીય દબાણ આધારિત નથી, પરંતુ દેશની એનર્જી જરુરિયાત અને બજારની રિયાલિટીથી નક્કી થાય છે.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે સ્પષ્ટતા કરી હતી કે ભારત સરકાર દેશની 1.4 અબજની જનતાની ઈંધણની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ખનિજ તેલની ખરીદી અંગે યોગ્ય નિર્ણય લેશે. અમે વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઑઇલની ખરીદીનો વિકલ્પ ખુલ્લો જ રાખ્યો છે.
અગાઉ, અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત રશિયા પાસેથી ખનિજ તેલ ખરીદવાનું બંધ કરવા માટે સહમત થયું હોવાથી અમેરિકાએ ભારતીય માલસામાનની આયાત પરની ટૅરિફ પચાસ ટકાથી ઘટાડીને 18 ટકા કરી છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત મૉસ્કો પાસેથી ક્રૂડ ઑઇલ ખરીદવાનું બંધ કરીને હવે તેના વિકલ્પરૂપે અમેરિકા અને વેનેઝુએલા ખાતેથી તેલ ખરીદશે. નવી દિલ્હી રશિયા પાસેથી ઑઇલ ખરીદવાનું બંધ કરવા સહમત થયું હોવાથી યુક્રેન સાથેનું રશિયાનું યુદ્ધ બંધ કરાવવામાં મદદ મળશે.
રણધીર જયસ્વાલને ટ્રમ્પના આ નિવેદન અંગે પુછાયેલા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ઊર્જા ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે અનિશ્ર્ચિતતા ઊભી થઇ છે. અમે ઈંધણની ખરીદીમાં ભારતની જનતાના હિતને પ્રાધાન્ય આપી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ આપતા રહીશું તેમ જ તે મુજબ ઈંધણની ખરીદીના નિર્ણય લઇશું. ભારત સરકાર ઊર્જા ક્ષેત્રે વૈવિધ્ય લાવી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે ભારત અને વેનેઝુએલા વચ્ચેના દ્વિપક્ષી સંબંધ ઘણાં જ જૂના છે. અમે ઈંધણની ખરીદીમાં વેનેઝુએલા અને અન્ય દેશનો વિકલ્પ ખુલ્લો જ રાખ્યો છે. દરમિયાન ક્રેમલિનના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે પત્રકારોને જણાવ્યું હતું કે ભારત દ્વારા રશિયાના ક્રૂડ ઑઇલની ખરીદી બંધ કરાઇ રહી હોવાનું કોઇ પણ નિવેદન અમને નવી દિલ્હી પાસેથી નથી મળ્યું.
(એજન્સી)



