‘આખી દુનિયા જાણે છે કે….’, ટ્રેન હાઇજેક મામલે પાકિસ્તાનના આરોપોનો ભારતે આપ્યો વળતો જવાબ

નવી દિલ્હી: પાકિસ્તાનમાં બલોચિસ્તાન લિબરેશન આર્મી(BLA) સંગઠને ક્વેટાથી પેશાવર જઈ રહેલી જાફર એક્સપ્રેસ ટ્રેન હાઇજેક (Jaffar express train hijacking) કરી હતી, આ હુમલામાં BLAએ પાકિસ્તાન સેનાના 27 ઓફ ડ્યુટી જવાનોની હત્યા કરી હતી. પાકિસ્તાની સેનાએ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી 30 BLA બળવાખોરોને ઠાર કર્યા હતાં. ત્યાર બાદ આ હુમલા અંગે અલગ-અલગ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાનના કેટલાક નેતાઓ અને અધિકારીઓએ ટ્રેન હાઇજેક પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે, આ આરોપોનો ભારતે વળતો જવાબ આપ્યો છે.
ભારતનો જવાબ:
ભારતે પાકિસ્તાન દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા છે. ભારતના વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે(Randhir Jaiswal) જણાવ્યું હતું કે, અમે પાકિસ્તાન દ્વારા લગાવવામાં આવેલા પાયાવિહોણા આરોપોને નકારી કાઢીએ છીએ. આખી દુનિયા જાણે છે કે વૈશ્વમાં આતંકવાદનું કેન્દ્ર ક્યાં છે. પાકિસ્તાને પોતાની આંતરિક નિષ્ફળતાઓ માટે બીજાઓ પર આંગળી ચીંધવા અને બીજાઓને દોષ આપવાને બદલે આત્મનિરીક્ષણ કરવું જોઈએ.
અફઘાનીસ્તાન પર પણ આરોપ:
જાફર એક્સપ્રેસ ટ્રેન હાઇજેકીંગ મામલે પાકિસ્તાને અફઘાનીસ્તાન પર પણ આરોપ લગાવ્યા છે. ગુરુવારે પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા શફકત અલી ખાને દાવો કર્યો હતો કે જાફર એક્સપ્રેસ પર હુમલામાં સામેલ બળવાખોરો અફઘાનિસ્તાનમાં સ્થિત માસ્ટરમાઇન્ડ્સના સાથે સંપર્કમાં હતા.
આ પણ વાંચો…યુદ્ધ અટકવવા પ્રયાસ કરવા બદલ પુતીને મોદી અને ટ્રમ્પનો આભાર માન્યો; જાણો શું કહ્યું
શફકત અલી ખાને તેમની પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું, “ભારત પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવવા સામેલ રહ્યું છે. જાફર એક્સપ્રેસ પરના હુમલામાં સામેલ આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં હાજર તેમના માસ્ટર અને હેન્ડલર્સના સંપર્કમાં હતા.”
BLAનો દાવો:
બલૂચ લિબરેશન આર્મી (BLA) એ દાવો કર્યો હતો કે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પાકિસ્તાની લશ્કરના કર્મચારીઓને જ બંધક બનાવવામાં આવ્યા હતા. મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત અન્ય મુસાફરોને છોડી મુકવામાં આવ્યા હતા. સેના સાથે લડાઈ હજુ પણ ચાલુ છે અને બંધક સૈનિકો પણ કસ્ટડીમાં છે, જેમને ટૂંક સમયમાં મારી નાખવામાં આવશે.