બલુચિસ્તાન હિંસા મુદ્દે ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ: પોતાની નિષ્ફળતા છુપાવવાનું બંધ કરો…

નવી દિલ્હી: બલુચિસ્તાનમાં થયેલી હિંસાને પાકિસ્તાન ભારત પર કળશ ઢોળતા તેના અંગે ભારત સરકારે જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારત સરકારે પાકિસ્તાને લગાવેલા તમામ આરોપને ફગાવતા ‘પાયાવિહોણા’ ગણાવ્યા હતા. આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, આ આરોપો પાકિસ્તાનની આંતરિક નિષ્ફળતાઓથી ધ્યાન ભટકાવવાની તેની વારંવારની રણનીતિ છે. પાકિસ્તાનના ગૃહ પ્રધાન મોહસિન નકવીના આરોપોના જવાબમાં આ પ્રતિક્રિયા આવી છે, જેમાં તેમણે હુમલાઓમાં ભારતની સંડોવણીનો દાવો કર્યો હતો.
ભારતે આકરા શબ્દોમાં પાકિસ્તાનને ટકોર કરી
વિગતે વાત કરવામાં આવે તો ભારતે પાકિસ્તાનને ટકોર પણ કરી છે કે, હિંસા બન્યા પછી વારંવાર ખોટા દાવા કરવાની જગ્યાએ પાકિસ્તાને બલુચિસ્તાનના લોકોની લાંબા સમયની માંગો પૂરી કરવા પર ધ્યાન આપવું જોઈએ. નોંધનીય છે કે, બલુચિસ્તાનના લોકોને ઘણાં સમયથી પરેશાન થઈ રહ્યાં છે, પરંતુ તેમના પર પાકિસ્તાન દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જેથી આ બાબતે ધ્યાન આપવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે.
14 શહેરના હુમલાથી પાકિસ્તાન કઈ રીતે સળગ્યું હતું…
બલુચ લિબરેશન આર્મી (BLA)એ શનિવારે ‘ઓપરેશન હીરોફ 2.0’ હેઠળ બલુચિસ્તાનના 14 શહેરોમાં હુમલાઓની જવાબદારી લીધી હતી. આ હુમલાઓમાં સૈન્ય, વહીવટી અને સુરક્ષા સંસ્થાઓને નિશાના બનાવવામાં આવ્યા, જેમાં 81થી વધુ પાકિસ્તાની સુરક્ષા કર્મીઓ માર્યા ગયા, 18ને જીવતા પકડવામાં આવ્યા એટલું જ નહીં પરંતુ 30 સરકારી મિલ્કતો નષ્ટ કરાઈ અને 23 વાહનોમાં આગ લગાડવામાં આવી હતી. BLAએ ક્વેટા, મસ્તુંગ, નુશ્કી, દલબંદીન, ખારાન, પંજગુર, તુમ્પ, ગ્વાદર અને પસ્ની જેવા વિસ્તારોમાં હુમલા કર્યો હોવાનો દાવો કર્યો છે. એટલું જ નહીં પરંતુ હજી પણ આ અભિયાન ચાલુ રહેશે તેવું જાણવા મળ્યું છે.
બલુચ લિબરેશન આર્મીને સ્થાનિકોને સપોર્ટ મળ્યો
પાકિસ્તાનના સુરક્ષા દળોએ 92 આતંકવાદીને મારી નાખ્યા હોવાનો દાવો કર્યો છે, જેમાં 15 સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા. આ ઘટના બલુચિસ્તાન પ્રાંતમાં વારંવાર થતા સંઘર્ષનો ભાગ છે, જ્યાં બલુચ વિદ્રોહીઓ પાકિસ્તાની સેના સામે લડી રહ્યા છે. બલુચ લિબરેશન આર્મીને સ્થાનિક લોકો પણ સપોર્ટ કરી રહ્યાં છે. જેના કારણે બલુચ લિબરેશન આર્મી પાકિસ્તાની સેના પર હુમલો કરી રહી છે, તેવી સમજી શકાય, કારણ કે, આ હુમલાની જવાબદારી પણ બલુચ લિબરેશન આર્મીએ લીધી છે.
પાકિસ્તાન આંતરિક મુદ્દાઓ હલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે
ભારતે પોતાના નિવેદનમાં પાકિસ્તાનના દમન, ક્રુરતા અને માનવાધિકાર ઉલ્લંઘનના ઇતિહાસ પર પણ નિર્દેશ કર્યો અને કહ્યું કે, પાકિસ્તાને આંતરિક મુદ્દાઓ હલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ તેવી સલાહ આપી છે. પરંતુ પાકિસ્તાન તે બાબતે ધ્યાન આપવાની જગ્યાએ ભારત પર ખોટા આક્ષેપો કરવામાં સમય વ્યર્થ કરી રહ્યું છે. જેના કારણે ભારતીય વિદેશ મંત્રાલયે નાપાક પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો છે.


