
ભારત સંરક્ષણ ઉત્પાદનમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું હતું કે દેશે 2023-24માં સંરક્ષણ ઉત્પાદનના મૂલ્યમાં અત્યાર સુધીની સૌથી વધુ વૃદ્ધિ નોંધાવી છે. નાણાકીય વર્ષ 2023-24માં ભારતના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે 16.8 ટકાની વૃદ્ધિ જોવા મળી છે, જે દેશના સંરક્ષમ મૂલ્યમાં અત્યાર સુધીનો સૌથી વધુ વધારો દર્શાવે છે.
સંરક્ષણ પ્રધાન રાજનાશ સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે 2023-24માં ઉત્પાદનનું મૂલ્ય 1,26,887 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે પાછલા નાણાકીય વર્ષના ઉત્પાદન મૂલ્ય કરતાં 16.8 ટકા વધારે છે. આ બાબત દર્શાવે છે કે ભારતમાં વધુને વધુ હથિયારોનું ઉત્પાદન થઈ રહ્યું છે.
રાજનાથ સિંહે આ ઉપલબ્ધિ માટે જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને ખાનગી ક્ષેત્રના ઉપક્રમોને અભિનંદન આપ્યા હતા.
કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં રૂ. 35,000 કરોડની સંરક્ષણ નિકાસ સહિત રૂ. 1,75,000 કરોડના સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ ઉપરાંત વધુ મહત્વની વાત એ છે કે ઘણી વૈશ્વિક કંપનીઓએ ભારત સાથે સંરક્ષણ અને એરોસ્પેસની માહિતી શેર કરવામાં રસ દાખવ્યો છે. ભારત દ્વારા ધંધો કરવાની સરળતા માટે પણ અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. ભારતે નાણાકીય વર્ષ 2023-24માં 21 હજાર કરોડ રૂપિયાની સંરક્ષણ નિકાસ પણ કરી છે, જે અગાઉના વર્ષના આ જ સમયગાળા કરતા 32.5 ટકા વધારે છે.