
નવી દિલ્હી: પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધા યુદ્ધની જાહેરાત કરી નથી, પરંતુ યુદ્ધ જેટલા જ આક્રમક જવાબ ભારત આપી રહ્યું છે, જ્યારે આતંકવાદને પોષનારું પાકિસ્તાન એટલું જ ઊંધું ચાલી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ચાલી રહેલા ઉતારચઢાવ વચ્ચે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનની અવળચંડાઈ વિશે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના વધતા તણાવની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો પાકિસ્તાન કોઈ પણ પ્રકારની હરકત કરશે તો ભારતનો જવાબ પહેલા કરતાં પણ વધુ ઝડપી અને વિનાશક હશે. કહેવામાં આવી રહ્યું છે કે તે જ રાતે પાકિસ્તાને ભારતના 26 ઠેકાણાં પર હુમલો કર્યો હતો, જેનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો.
ઘર મૈં ઘૂસ કે મારેંગે એ નક્કી
ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનની કમર તોડી નાખી છે. ભારતે અનેક આતંકવાદી કેમ્પ પર હુમલો કરીને 100થી વધુ આતંકવાદીનો સફાયો કર્યો છે. ભારતે ઓપરેશન સિંદૂર ચલાવીને ત્રણ મોટા લક્ષ્યાંકો પ્રાપ્ત કર્યા છે, જેમાં સૈન્ય, રાજકીય અને મનોવૈજ્ઞાનિક લક્ષ્યનો સમાવેશ થાય છે. આર્મીના ઓપરેશન અન્વયે પીએમ મોદીએ કહ્યું હતું કે મિટ્ટી મેં મિલા દેંગે અને બહાવલપુર, મુરીદકે અને મુઝફ્ફરાબાદમાં જૈશ અને લશ્કરના આતંકવાદી કેમ્પનો સફાયો બોલાવ્યો હતો. ઓપરેશન સિંદૂરના બીજા લક્ષ્યાંકની વાત કરીએ તો સરહદ પારનો આતંકવાદ બંધ થશે નહીં, ત્યાં સુધી સિંધૂ જળ સમજૂતી સ્થગિત રહેશે. ત્રીજું મનોવૈજ્ઞાનિક લક્ષ્યાંક એ છે કે ઘૂસ કે મારેંગે અને એના અન્વયે ભારત પાકિસ્તાનમાં ઘૂસીને મારશે, તેથી ઓપરેશન પણ સફળ રહ્યું છે.
કાશ્મીર માટે કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારીશું નહીં
મીડિયાના અહેવાલ અનુસાર વડા પ્રધાન મોદીએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો પાકિસ્તાન હવે કોઈ હરકત કરશે તો ભારતનો જવાબ વધુ વિનાશક અને કડક હશે. તે જ રાત્રે પાકિસ્તાને 26 સ્થળો પર હુમલો કરવામાં આવ્યો હતો અને ભારતે તેનો ભારે વળતો પ્રહાર કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે કાશ્મીર પર અમારી સ્થિતિ ખૂબ જ સ્પષ્ટ છે, એમાં કોઈની દખલગીરી સ્વીકારીશું નહીં. હવે માત્ર એક જ મુદ્દો બાકી છે – પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર (PoK) પાછું મેળવવું. આ સિવાય બીજી કોઈ વાત નથી. જો તેઓ આતંકવાદીઓને સોંપવાની વાત કરે છે, તો અમે વાત કરી શકીએ છીએ. અમે કોઈની મધ્યસ્થી ઈચ્છતા નથી અને અમને કોઈની મધ્યસ્થીની જરૂર નથી.
બંદૂકની ગોળીનો જવાબ તોપના ગોળાથી મળશે
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેડી વાન્સ સાથેની વાતચીતમાં સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે, સીમા પારથી જો ગોળી ચાલશે તો તે ગોળીનો જવાબ તોપના ગોળાથી મળશે. એરપોર્ટ પરના હુમલા નિર્ણાયક વળાંક હતા. દરેક તબક્કામાં પાકિસ્તાન માટે સ્થિતિ વધુ ખરાબ થતી ગઈ; તેઓ યુદ્ધના દરેક તબક્કામાં ભારત સામે હાર્યા. પાકિસ્તાનના હવાઈ મથકો પર ભારતના હુમલા બાદ પાકિસ્તાનને સમજાયું કે તેઓ આ લીગમાં નથી. ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોઈ સુરક્ષિત નથી, આ નવી સામાન્ય વાત છે.