
નવી દિલ્હી: પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધ તણાવભર્યા છે. આ માટે ભારતે સુરક્ષા દૃષ્ટિકોણથી 30 એપ્રિલથી 3 મે સુધી ગુજરાતના દરિયાકાંઠે અરબ સાગરમાં એક વિશાળ નૌકાદળ કવાયત કરી રહ્યું છે. તો બીજી તરફ નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. એવી ચર્ચા છે કે નૌકાદળના વડાએ પીએમ મોદીને સમુદ્રમાં ભારતની સુરક્ષા વ્યવસ્થા વિશે માહિતી આપી છે.
PM નિવાસસ્થાને યોજાઇ બેઠક
મળતી વિગતો અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા સાથેની મુલાકાત બાદ ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી વડા પ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદી સાથે તેમની સિક્રેટ મુલાકાત ચાલી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પહેલગામ આતંકવાદી હુમલા બાદ હાલની સુરક્ષા સ્થિતિ શું છે તે અંગે નૌકાદળના વડાએ પીએમ મોદીને માહિતી આપી હતી. આ બેઠકે પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી છે.
અડધો કલાક ચાલી બેઠક
અધિકારી સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર હતું કે વડા પ્રધાનના નિવાસસ્થાને બંને નેતાઓ વચ્ચેની મુલાકાત લગભગ અડધો કલાક ચાલી હતી. 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી બંને નેતાઓ વચ્ચે આ પહેલી મુલાકાત છે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા.