પીઓકેમાં અશાંતિઃ માનવઅધિકારોના ભંગ માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવવા ભારતનો વૈશ્વિક સમુદાયને અનુરોધ…

ઈસ્લામાબાદ/નવી દિલ્હી: પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં વધતી જતી અશાંતિ અને વિરોધ પ્રદર્શન મુદ્દે પ્રતિક્રિયા આપતા આજે ભારતના વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય સમુદાયને આ ક્ષેત્રમાં પાકિસ્તાનને “ભયાનક માનવાધિકાર ઉલ્લંઘન” માટે જવાબદાર ઠેરવવા માટે વૈશ્વિક સમુદાયને હાકલ કરી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેમના સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં ઉમેર્યું હતું કે પીઓકેમાં થયેલી કાર્યવાહી પાકિસ્તાનના દમનકારી અભિગમ આ પ્રદેશોમાંથી સંસાધનોની વ્યવસ્થિત લૂંટનું કુદરતી પરિણામ છે.
અમે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનોના અહેવાલો જોયા છે, જેમાં નિર્દોષ નાગરિકો પર પાકિસ્તાની દળો દ્વારા કરવામાં આવતી ક્રૂરતાનો પણ સમાવેશ થાય છે. અમારું માનવું છે કે આ પાકિસ્તાનના દમનકારી અભિગમ અને આ પ્રદેશોમાંથી સંસાધનોની વ્યવસ્થિત લૂંટનું કુદરતી પરિણામ છે, જે તેના બળજબરી અને ગેરકાયદે કબજા હેઠળ છે. પાકિસ્તાનને તેના ભયાનક માનવાધિકાર ઉલ્લંઘન માટે જવાબદાર ઠેરવવું જોઈએ,” તેવું જયસ્વાલે જણાવ્યું હતું.
ગત સપ્તાહથી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન અને અશાંતિ ફેલાઈ છે. રાવલકોટ, મીરપુર, કોટલી, નીલમ ખીણ અને પીઓકેના અન્ય વિસ્તારોમાં બંધ અને ચક્કાજામ વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરવામાં આવ્યું હતું. પીઓકેમાં વર્ષોમાં જોવા મળેલા સૌથી મોટા વિરોધ-પ્રદર્શનમાં હજારો લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા.
આવામી એક્શન કમિટી (એએસી)ના નેતૃત્વમાં આ વિરોધ પ્રદર્શનો શહબાઝ શરીફની આગેવાની હેઠળની સરકાર સામે ઊભરી આવ્યા હતા. આ મોટા પાયે થયેલા વિરોધ પ્રદર્શનોમાં ઓછામાં ઓછા ૧૦ જણના મોત થયા છે, સમગ્ર પ્રદેશમાં ઇન્ટરનેટ અને મોબાઇલ ફોન સેવાઓ સ્થગિત કરવામાં આવી છે.
એએસીએ “મૂળભૂત અધિકારોના ઇનકાર” સામે વિરોધ પ્રદર્શનોનું આહ્વાન કર્યું છે. વધુમાં, સમિતિએ પાકિસ્તાનમાં રહેતા કાશ્મીરી શરણાર્થીઓ માટે અનામત રાખેલી પીઓકે વિધાનસભાની ૧૨ વિધાનસભા બેઠકને રદ કરવાની પણ હાકલ કરી છે.