અરબી સમુદ્રમાં ભારત-પાકિસ્તાન નૌકાદળની કવાયત હાથ ધરાશે, નોટામ જારી
ગુજરાતમાં પોરબંદર, ઓખા ખાતે આવતીકાલે બે દિવસ મૅરિટાઇમ ડ્રિલ્સ

નવી દિલ્હી: પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં અનેક અવરોધો વચ્ચે તાજેતરમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. બંને દેશના નૌકાદળ આમનેસામને યુદ્ધ અભ્યાસ કરશે. અરબી સમુદ્રમાં ભારત અને પાકિસ્તાન દ્વારા 11 અને 12 ઑગસ્ટે એકબીજાની જળસીમાની નજીક અલગ-અલગ કવાયત યોજાવાની છે.
બન્ને પાડોશી દુશ્મન દેશના નૌકાદળ અંદાજે 60 દરિયાઇ માઇલના અંતરે કવાયત કરવાના છે. તેઓએ અરબી સમુદ્રમાં નૌકાદળની આ કવાયતને લગતા જુદા-જુદા જાહેરનામા બહાર પાડ્યા હતા, એમ સત્તાવાર જણાવાયું છે.
આ પણ વાંચો: INS વિક્રાંત સહિત 36 યુદ્ધ જહાજો કરાચી પર ત્રાટકવા તૈયાર હતાં; ઇન્ડિયન નેવીનો અભૂતપૂર્વ જમાવડો
ભારતીય નૌકાદળ ગુજરાતના પોરબંદર અને ઓખાના દરિયાકિનારા પાસે 11 અને 12 ઑગસ્ટે મૅરિટાઇમ ડ્રિલ્સ યોજશે. બન્ને દેશના નૌકાદળની આ લશ્કરી કવાયત રાબેતા મુજબની હોવાનો દાવો કરાય છે. આ અંગે પાકિસ્તાન નૌકાદળે પણ પોતાની જળસીમામાં અભ્યાસ કરવા માટે એરમેન નોટિસ (નોટામ) પણ જારી કરવામાં આવ્યું છે. ભારતીય નૌકાદળ પોરબંદર અને ઓખાના દરિયાકિનારે કરશે, જ્યારે પાકિસ્તાનનો દરિયાઈ અભ્યાસ અહીંથી 60 નોટિકલ માઈલના અંતરે થશે. આ બંને દેશ વચ્ચેના દરિયાઈ અભ્યાસ અંગે મીડિયામાં પણ સૌનું ધ્યાન ખેંચાયું છે.
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં ત્રાસવાદીઓએ 22 એપ્રિલે 26 નિર્દોષ લોકોની કરેલી હત્યા અને તે પછી ભારતે ઑપરેશન સિંદૂર હેઠળ હાથ ધરેલી લશ્કરી કાર્યવાહીને લીધે ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી ઘણી જ વધી ગઇ છે. ભારતના લશ્કર, હવાઇદળ અને નૌકાદળે સંયુક્ત રીતે પાકિસ્તાનમાંના જૈશે મહંમદ અને લશ્કરે તૈયબાની છાવણીઓનો નાશ કર્યો હતો.