સસ્પેન્શનના વિરોધમાં વિપક્ષના સાંસદોની કૂચ, મોદી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર
નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, સત્ર દરમિયાન વિપક્ષના 143 સાંસદોને સંસદ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે અંગે આજે પણ ગૃહની બહાર હોબાળો થવાની શક્યતા છે. સસ્પેન્ડ સાંસદો મોદી સરકારનો વિરોધ કરી રહ્યા છે અને સસ્પેન્શનને અલોકતાંત્રિક ગણાવી રહ્યા છે.
વિપક્ષના સાંસદો મોદી સરકારના વલણ સામે વિરોધ નોંધાવી રહ્યા છે. આજે વિપક્ષના સાંસદો સંસદ ભવનથી વિજય ચોકથી સુધી કૂચ કરી રહ્યા છે. વિપક્ષી સાંસદો પોસ્ટર અને બેનરો સાથે માર્ચમાં જોડાયા છે. સાંસદો હાથમાં પ્લેકાર્ડ લઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે જણાવ્યું હતું કે, અમે સંસદમાં સુરક્ષા ચૂકની નિષ્ફળતા પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદન અને બીજેપી સાંસદ પ્રતાપ સિંહા સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા. વિરોધ પક્ષોના 150 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમે સરકારના આવા નિરંકુશ પગલાંનો વિરોધ કરતા રહીશું. અમિત શાહ અને પીએમ મોદી ભારતની જનતા સમક્ષ ખુલ્લા પાડવામાં આવશે.
લોકસભામાં કોંગ્રેસના ચીફ વ્હીપ કે. સુરેશે જણાવ્યું હતું કે, “રાજ્યસભા કાર્યાલયમાં આજે મળેલી બેઠક પછી, અમારા નેતાઓ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં સંસદથી વિજય ચોક સુધી વિરોધ માર્ચ કાઢશે. સંસદની સુરક્ષામાં ભંગની ઘટના પર સરકાર કોઈ જવાબ કેમ નથી આપી રહી?”