INDIA alliance: હેમંત સોરેનની ધરપકડ બાદ INDIA બ્લોકના નેતા સક્રિય, ખડગેના ઘરે ઉચ્ચ સ્તરીય બેઠક | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

INDIA alliance: હેમંત સોરેનની ધરપકડ બાદ INDIA બ્લોકના નેતા સક્રિય, ખડગેના ઘરે ઉચ્ચ સ્તરીય બેઠક

નવી દિલ્હી:ગઈ કાલે રાત્રે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનના રાજીનામા બાદ EDએ તેમની ધપકડ કરી હતી. ત્યાર બાદ વિરોધ પક્ષોનું ગઠબંધન INDIA સક્રિય થઈ ગયું છે. સોરેનની ધરપકડ બાદ બુધવારે સાંજે ઈન્ડિયા બ્લોકના ટોચના નેતાઓએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં ધરપકડ બાદ ઉભી થયેલી પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે મળેલી આ બેઠકમાં સોનિયા ગાંધી, CPI(M)ના મહાસચિવ સીતારામ યેચુરી, NCP સુપ્રીમો શરદ પવાર અને DMK નેતા ટીઆર બાલુ સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. હેમંત સોરેનની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટી ઈન્ડિયા બ્લોકનો ભાગ છે.


ઝારખંડના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ, સોરેનની બુધવારે કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ બાદ નવા મુખ્ય પ્રધાન તરીકે રાજ્યના પરિવહન પ્રધાન ચંપાઈ સોરેનનું નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે.


બુધવારે બપોરે 1.15 વાગ્યે EDની ટીમ રાંચીમાં હેમંત સોરેનના ઘરે પહોંચી હતી. અહીં તેમની 8 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. હેમંત સોરેન રાત્રે 8.30 વાગ્યાની આસપાસ રાજભવન પહોંચ્યા હતા. આ દરમિયાન EDની ટીમ પણ હાજર હતી. સોરેને પોતાનું રાજીનામું રાજ્યપાલને સુપરત કર્યું હતું, જેને રાજ્યપાલે સ્વીકાર્યું હતું. અહીંથી હેમંત તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં EDએ રાત્રે 9.33 કલાકે તેની ધરપકડ કરી હતી. આમ હેમંત સોરેનની ધરપકડ ખૂબ જ નાટકીય હતી.

સંબંધિત લેખો

Back to top button