ઓપરેશન સિંદૂરની સફળતા, આતંકી મસૂદ અઝહરના પરિવારના 14 લોકોના મોતનો દાવો

નવી દિલ્હી : ભારતે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. તેણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો છે. ભારત દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ દરમિયાન એવી માહિતી પણ પ્રકાશમાં આવી છે આતંકી મસૂદ અઝહરના પરિવારનો આ હુમલામાં સફાયો થયો છે. જેમાં મળતી માહિતી મુજબ મસૂદ અઝહરના પરિવારના 14 લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમજ મસૂદ અઝહરના ભાઇને ગંભીર ઇજા થઇ છે. જોકે, આ હુમલામાં મસૂદ અઝહરનું શું થયું તે અંગેની કોઇ માહિતી સાંપડી નથી.
ભારતે 25 મિનિટમાં 21 ટાર્ગેટ પર હુમલો કર્યો
આ ઉપરાંત ભારત તરફથી ઓપરેશન સિંદૂર અંગે વિગતવાર માહિતી આપતા કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન પર રાત્રે 1:05 વાગ્યે હુમલો થયો હતો. આ કાર્યવાહીમાં 9 સ્થળોએ હુમલો કરવામાં આવ્યો હતો. આ કામગીરી રાત્રે 1.05 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી ચાલી હતી. ગુપ્ત માહિતીના આધારે લક્ષ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકવાદી હુમલાના કાવતરાખોરો પર હુમલો કરવામાં આવ્યો.
નાગરિકોને નુકસાન પહોંચાડ્યું નથી
પાકિસ્તાન અને પીઓકે બંને પર હુમલા કરવામાં આવ્યા. અમે નાગરિકોને નુકસાન પહોંચાડ્યું નથી. હુમલામાં સૌ પ્રથમ, સવાઈ નાલા કેમ્પને નિશાન બનાવવામાં આવ્યો. અમે જૈશ અને લશ્કરના કેમ્પોને નિશાન બનાવ્યા. 9 સ્થળોએ 21 ટાર્ગેટ પર હુમલો કરવામાં આવ્યો. પાકિસ્તાનમાં જ્યાં હુમલો થયો તે સ્થળ સિયાલકોટ છે. અહીંના સરજલ કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. અહીં હિઝબુલનો આતંકી કેમ્પ સ્થિત હતો
પાકિસ્તાન આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન
આ અંગે વિદેશ સચિવે જણાવ્યું હતું કે પહલગામ હુમલો બર્બરતાપૂર્ણ હતો. જેમાં પરિવારની સામે જ વ્યક્તિને ગોળી મારી દેવામાં આવી હતી. આ ઉપરાંત ગત વર્ષે બે કરોડથી વધારે પ્રવાસીઓ કાશ્મીર આવ્યા હતા.આ હુમલાનો ઉદ્દેશ કોમી રમખાણો ફેલાવવાનો હતો. ભારતે મે અને નવેમ્બરમાં યુએનમાં આતંકી સંગઠન ટીઆરએફ અંગે જણાવ્યું હતું. પાકિસ્તાન આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે, તે વિશ્વને ગેરમાર્ગે દોરે છે.આ હુમલો આતંકવાદને નાબૂદ કરવા માટે જરૂરી હતો. આ જવાબદારી પૂર્વકનું એક્શન હતું.
આ પણ વાંચો….પાકિસ્તાન આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન, ઓપરેશન સિંદૂર જવાબદારી પૂર્વકનું એક્શન