
કોલકાતા: ગત વર્ષે બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા ફેલાઈ હતી, જનાક્રોશને કારણે તત્કાલીન વડાપ્રધાન શેખ હસીએ દેશ છોડી ભારતમાં આશરો લેવો પડ્યો હતો. ત્યારથી બંને દેશના સંબંધો વણસ્યા છે. એવામાં સમાચાર છે, બાંગ્લાદેશ સરકાર બંગાળી સાહિત્યિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે જોડાયલી હસ્તીઓની ત્રણ પેઢીઓ સાથે સંકળાયેલા ઘરને તોડી પાડવાનું આયોજન કરી છે, જેની સામે ભારત સરકારે વાંધો ઉઠાવ્યો છે. આ ઈમારત તોડવાને બદલે તેના સમારકામમાં સહાય માટે આપવા ભારત સરકારે પ્રસ્તાવ મુક્યો છે.
બંગાળના વિશ્વ વિખ્યાત ફિલ્મ દિગ્દર્શક સત્યજીત રેના પૂર્વજોનું ઘર બાંગ્લાદેશના મૈમનસિંઘ શહેરમાં આવેલું (Satyajit Ray Ancestral home) છે, આ મિલકત હાલમાં બાંગ્લાદેશ સરકારની માલિકીની છે. સરકાર આ ઈમારતને તોડી પડવાની યોજના બનાવી છે. આ ઇમારત પ્રખ્યાત બાળ લેખક અને પ્રકાશક ઉપેન્દ્રકિશોર રેનનું ઘર હતું. ઉપેન્દ્રકિશોર કવિ સુકુમાર રેના પિતા અને સત્યજીત રેના દાદા હતા.
બાંગ્લાદેશના એક દૈનિક અખબાર ગઈ કાલે મંગળવારે અહેવાલ આપ્યો હતો કે સત્યજીત રેના દાદા અને પ્રખ્યાત સાહિત્યકાર ઉપેન્દ્રકિશોર રે ચૌધરીનું ઘર, જે અગાઉ મૈમનસિંહ શિશુ એકેડેમી માટે ઉપયોગમાં લેવાતું હતું, તેને નવા સેમી-કોંક્રિટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે તોડી પાડવામાં આવી રહ્યું છે.
વિદેશ મંત્રાલએ કરી અપીલ:
આ અહેવાલ પ્રકશિત થતા ભારતનું વિદેશ મંત્રાલય તુરંત સક્રિય થઇ ગયું હતું અને બાંગ્લાદેશ સરકારને અપીલ કરી હતી કે આ ઐતિહાસિક ઇમારત તોડી પાડવાના નિર્ણય પર ફરી વિચાર કરે. મંત્રાલયે બાંગ્લાદેશ સરકારને જણાવ્યું હતું કે આ ઘર બંગાળી સાંસ્કૃતિક પુનરુત્થાન સાથે સંકળાયેલું એક ઐતિહાસિક સ્થળ છે. આ ઇમારતનું રીનોવેશન કરી શકાય છે. આ સ્થળ પર સહિયારા વારસાના પ્રતિક તરીકે સાહિત્યિક સંગ્રહાલય વિકસાવી શકાય છે.
ભારત સરકારે એમપણ જણાવ્યું કે જો બાંગ્લાદેશ સરકાર આ ઈમારતના રીનોવેશન માટે વિચાર કરે છે, તો ભારત સરકાર સહાય પૂરી પાડવા તૈયાર છે.
મમતા બેનર્જીએ ચિંતા વ્યક્ત કરી:
સત્યજીત રેના પૈતૃક ઘરને તોડી પાડવા વિષે અહેવાલ મળતા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. ભારત સરકારને હસ્તક્ષેપ કરવાની માંગ કરતા, મમતા બેનર્જીએ X પર પોસ્ટ કરીને કહ્યું, “મને મીડિયા રિપોર્ટ્સમાંથી જાણવા મળ્યું કે બાંગ્લાદેશના મૈમનસિંહ શહેરમાં પ્રખ્યાત લેખક-સંપાદક ઉપેન્દ્રકિશોર રોયચૌધરીના ર્વજોના ઘરને તોડી પાડવામાં આવી રહ્યું છે. અહેવાલો કહે છે કે તોડી પાડવાની પ્રક્રિયા પહેલાથી જ શરૂ થઈ ગઈ છે. આ સમાચાર હૃદયદ્રાવક છે.”
મમતા બેનર્જીએ લખ્યું “રે પરિવાર બંગાળની સંસ્કૃતિ માટે પ્રેરણાદાયક રહ્યું છે. ઉપેન્દ્રકિશોર બંગાળના પુનરુત્થાનના આધાર સ્તંભોમાંના એક હતા. મને લાગે છે કે આ ઘર બંગાળના સાંસ્કૃતિક ઇતિહાસ સાથે જોડાયેલું છે. હું બાંગ્લાદેશી સરકાર અને તે દેશના તમામ વિચારશીલ લોકોને સમૃદ્ધ પરંપરાના આ મકાનને સાચવવા અપીલ કરું છું. ભારત સરકારે પણ હસ્તક્ષેપ કરવો જોઈએ.”
ઈમારતનો ઈતિહાસ:
અહેવાલ મુજબ બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી લગભગ 120 કિમી ઉત્તરમાં આવેલા મૈમનસિંઘ શહેરમાં સ્થિત આ ઘર 100 કરતાં વધુ વર્ષ પહેલા પહેલા ઉપેન્દ્રકિશોરે બનાવ્યું હતું. 1947ના ભાગલા પછી, આ મિલકત પાકિસ્તાન સરકારની માલિકી હેઠળ આવી, એ સમયે બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન હતું. 1971ના ભારત સાથેના યુદ્ધમાં પાકિસ્તાનની હાર પછી, પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ તરીકે એક નવો આઝાદ દેશ બન્યો, ત્યારથી આ મિલકત બાંગ્લાદેશ સરકાર હેઠળ છે. વર્ષ 1989માં આ ઈમારતમાં મૈમનસિંહ શિશુ એકેડેમી શરુ કરવામાં આવી હતી.
સમારકામના અભાવે હાલ આ ઈમારત જર્જરિત હાલતમાં છે, લગભગ એક દાયકાથી આ ઈમારતનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. બાંગ્લાદેશના સ્થાનિક મીડિયા અહેવાલ મુજબ મૈમનસિંહ શિશુ એકેડેમી માટે આ ઈમારત તોડી આ સ્થળે એક નવી ઇમારત બનાવવામાં આવશે.