I.N.D.I.A. ગઠબંધન બનાવવાનો વિચાર નીતીશ કુમારનો નહોતોઃ ખડગે
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી 2024માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારને પાઠ ભણાવવા માટે કોંગ્રેસે વિપક્ષી દળોને સાથે મળીને I.N.D.I.A. ગઠબંધન બનાવ્યું હતું. મીડિયાની એક સમિટને સંબોધતા કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે વિપક્ષી ગઠબંધન I.N.D.I.A. બનાવવાનો આઈડિયા બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારનો નહોતો.
વાસ્તવમાં ગઠબંધનને એક કરવા અને સૌને સાથે લાવવાનો વિચાર કોંગ્રેસ અને રાહુલ ગાંધીનો હતો. મહાગઠબંધનનું ગઠન કરવામાં આવ્યા પછી પણ વડા પ્રધાનપદનો ચહેરો અને સંયોજક પણ નક્કી કરી શક્યા નથી ત્યારે આ મુદ્દે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સ્પષ્ટતા કરી હતી.
આ મુદ્દે ખડગેએ કહ્યું હતું કે અમે સત્તા માટે પ્રયાસ કરી રહ્યા નથી અને ના તો દેશના વડા પ્રધાન બનાવવાની કોશિશ. લોકશાહી અને બંધારણને બચાવવાના જ માત્ર અમારા પ્રયાસો છે. અમે મૂળભૂત અધિકારોના રક્ષણની લડાઈ માટે લડી રહ્યા છીએ. આટલા માટે અમે લોકો ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ને બટાવવાના માર્ગે છીએ. આ જ અમારો પહેલો એજન્ડા છે, એમ તેમણે જણાવ્યું હતું.
બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારના ગઠબંધન સાથે છેડો ફાડવાના સવાલના જવાબમાં ખડગેએ કહ્યું હતું કે રાજનીતિમાં બે પ્રકારના લોકો હોય છે, જે સત્તા માટે લડતા હોય છે. એનું પણ કારણ છે કે એ લોકો સત્તા વિના જીવતા રહી શકતા નથી. હું એક પાર્ટીની વિરુદ્ધમાં વર્ષોથી લડી રહ્યો છો. મોરારજી દેસાઈની સરકાર હતી ત્યારે અમારી પાર્ટીને સતાવવામાં આવી હતી અને હવે અમે વિપક્ષમાં છીએ, પરંતુ અમે લડી રહ્યા છીએ. પણ જે વ્યક્તિ હિંમત હારે છે અને પોતાનો વિચાર છોડે છે એ દેશનું ભલું કરી શકતો નથી.