વન્યજીવોની આયાત મામલે ભારત નંબર-1: છેલ્લા 4 વર્ષમાં રેકોર્ડબ્રેક વધારો, વંતારા કેન્દ્રસ્થાને…

નવી દિલ્હી: વન્ય જીવોના આંતરરાષ્ટ્રીય વેપાર પર નજર રાખતી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ સ્પિસીઝ ઓફ વાઈલ્ડ ફોઉના એન્ડ ફ્લોરા(CITES)એ ગત નવેમ્બર મહિનામાં પ્રાણીઓના ભારતમાં ટ્રાન્સફર અંગે કેટલાક પ્રશ્નો ઉભા કર્યા હતાં. એવામાં અહેવાલ છે કે વિદેશથી ભારતમાં વન્યજીવની આયાત મામલે ભારત છેલ્લા કેટલાક વર્ષોથી પ્રથમ ક્રમે છે.
ભારતમાં વિદેશથી વન્યજીવોની આયાત કરવાની શરૂઆત 1978થી થઇ હતી, ત્યાર બાદ સતત વિદેશથી વન્ય જીવોને લાવીને ભારતના પ્રાણીસંગ્રહાલય અથવા સરક્ષિત ક્ષેત્રોમાં રાખવામાં આવે છે. જોકે, છેલ્લા ચાર વર્ષમાં પ્રાણીઓની આયાતમાં મોટો વધારો નોંધાયો છે.
અહેવાલ મુજબ ભારત દક્ષિણ આફ્રિકાથી સૌથી વધુ પ્રાણીઓની આયાત કરે છે. 1978 થી અત્યાર સુધી ભારતમાં આયાત કરવામાં આવેલા કુલ પ્રાણીઓમાંથી 30 ટકા માત્ર દક્ષિણ આફ્રિકાથી આયાત કરવામાં આવ્યા હતાં, ત્યારબાદ સૌથી વધુ પ્રાણીઓ UAE, ચેક રિપબ્લિક, મેક્સિકો અને ઑસ્ટ્રિયાનો ક્રમ આવે છે. નોંધનીય છે કે UAEનું દુબઈ પ્રાણીઓના ટ્રાન્સફર માટે ટ્રાન્ઝીટ હબ તરીકે કામ કરે છે.
આ પ્રાણીઓની આયાત સૌથી વધુ:
દુનિયામાં વાઘોની સૌથી વધુ વસ્તી ભારતમાં છે, દુનિયાના 70 ટકા વાઘ ભારતમાં વસે છે. આમ છતાં, પ્રાણી સંગ્રહાલયોમાં રાખવા માટે વાધોની આયાતમાં ભારત આગળ છે. 178 થી 2024 ભારતીય પ્રાણી સંગ્રહાલયોએ 314 વાધોની આયાત કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન 188 સિંહો પણ આયાત કરવામાં આવ્યા હતાં. 159 ચિત્તા પણ આયાત કરવામાં આવ્યા હતાં.

છેલ્લા બે વર્ષમાં સંખ્યામાં મોટો વધારો:
CITESના જ એક અહેવાલ મુજબ વર્ષ 2021થી ભારતમાં આયાત થતા પ્રાણીઓની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. છેલ્લા ચાર વર્ષમાં 6,400 થી વધુ વન્યજીવોને ભારતમાં લાવવામાં આવ્યા છે, જેમાંથી 4051 પ્રાણીઓને માત્ર 2023માં જ આયાત કરવામાં આવ્યા હતાં.
અહેવાલ મુજબ 2024 માં વિશ્વભર 2,922 પ્રાણીઓનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું, જેમાંથી 1,640 પ્રાણીઓ માત્ર ભારતમાં લાવવામાં આવ્યા હતા.
સરકાર હેઠળ પ્રાણીઓની આયાત વધી:
નોંધનીય છે વર્ષ 2015માં ભારતમાં આયાત કરવામાં આવેલા પ્રાણીઓની સંખ્યા માત્ર 21 હતી, ત્યાર બાદ વર્ષ 2016માં 19, વર્ષ 2017માં 16, વર્ષ 2018માં 02, વર્ષ 2019માં 24, વર્ષ 2020માં 20 અને વર્ષ 2021માં 235 પ્રાણીઓ આયાત કરવામાં આવ્યા. 486 વન્ય પ્રાણીઓની આયાત સાથે વર્ષ 2022માં ભારત વિશ્વમાં બીજા ક્રમે રહ્યું હતું, જયારે UAE 600 પ્રાણીઓ સાથે પહેલા ક્રમે રહ્યું હતું. ત્યાર બાદ વર્ષ 2023 અને 2024માં ભારત પ્રથમ ક્રમે રહ્યું, આમ મોદી સરકાર હેઠળ આ સંખ્યા સતત વધી રહી છે.
આ કારણે પાછળના વર્ષોમાં સંખ્યા વધી:
મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આફ્રિકાના દેશોમાંથી ચિત્તા આયાત કરવામાં આવ્યા હતાં. રિલાયન્સ ફાઉન્ડેશનના જામનગર પાસે આવેલા વંતારામાં પણ પ્રાણીઓની આયાત કરવામાં આવ્યા, જેને કારણે વર્ષ 2020થી આ સંખ્યા ખુબજ વધી ગઈ.

વંતારા અંગે CITESએ ચિંતા વ્યક્ત કરી:
CITESની ટીમે વંતારાની મુલાકાત બાદ જણાવ્યું હતું કે પ્રાણીઓના ટ્રાન્સફર માટે ઈમ્પોર્ટ પરમિટ આપતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું અને જણાવ્યું હતું કે ભારતને લુપ્તપ્રાય પ્રાણીઓની આયાત માટે મંજુરી આપવી ન જોઈએ.
તપાસ બાદ CITES એ હૈતીના પર્વતીય ગોરિલા, કોંગોના ચિમ્પાન્ઝી અને એક ઓરંગુટાન સહિત કેટલાક જંગલી પ્રાણીઓના ટ્રાન્સફર અંગે શંકા વ્યક્ત કરી હતી.
આ વર્ષે માર્ચ મહિનામાં એક જર્મન સમાચાર પત્ર અને વેનેઝુએલાની એક સમાચાર સંસ્થાએ મળીને બે ટ્રેડ એગ્રીમેન્ટના ડેટાના આધારે અહેવાલ આપ્યો હતો કે, વાંતારામાં પ્રાણીઓની કુલ સંખ્યા 39,000થી વધુ છે આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે વાંતારા આયાત થયેલા લુપ્તપ્રાય પ્રાણીઓનો સોદો ગેરકાયદે હોઈ શકે છે, ત્યાર બાદ CITESની ટીમ સપ્ટેમ્બરમાં તપાસ માટે વાંતારામાં આવી હતી.
જો કે 23 નવેમ્બરના રોજ CITEએ અગાઉ કરેલી ભલામણને ઉલટાવી દીધી હતી, અને વાંતારાને ક્લીન ચીટ આપી હતી. વાંતારાની ટીમે પણ આ તમામ આરોપને નકારી કાઢ્યા છે અને જર્મન સમાચાર પત્ર સામે કાયદાકીય પગલા લેવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો…આવું છે અનંત અંબાણીનું એનિમલ રેસ્કયુ સેન્ટર વનતારાઃ જૂઓ વીડિયો



