ભારતે ભવિષ્યના પરમાણુ અને જૈવિક જોખમો સામે તૈયાર રહેવું પડશે: CDS જનરલ અનિલ ચૌહાણનું નિવેદન

નવી દિલ્હીઃ ભારતને ભવિષ્યમાં પરમાણુ શસ્ત્રોથી થનારા જૈવિક જોખમોમાં પણ વધારો થવાની સંભાવના રહેલી છે, જેથી તેની સામે સંરક્ષણ તૈયારીઓ કરવાનું જરુરી છે, એમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણે જણાવ્યું હતું.
આજે અહીંના મિલિટરી નર્સિગ સર્વિસના 100માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે હાજરી આપી હતી, જ્યાં તેમણે વૈશ્વિક તણાવ અને મહામારીની અનિશ્ચિતતા સામે લડવા માટે તૈયાર રહેવાની વાત પર ભાર મૂક્યો હતો. કોવિડ મહામારી પછીના સમયમાં વધતા જોખમોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આવી તૈયારીઓ દેશની સુરક્ષાને વધુ મજબૂત બનાવી શકે છે.
આ પણ વાંચો: જનરલ અનિલ ચૌહાણનો CDS તરીકેનો કાર્યકાળ લંબાવાયો; આ તારીખ સુધી પદ પર રહેશે
જનરલ અનિલ ચૌહાને કહ્યું કે કોવિડ-19 જેવી મહામારીએ વિશ્વને મોટી પીડા આપી હતી અને ભવિષ્યમાં માનવસર્જિત કે કુદરતી જૈવિક ખતરાઓ વધી શકે છે. આવા જોખમોના સામનો કરવા માટે અલગ-અલગ ઉપચાર પદ્ધતિઓ અને તૈયારીઓ જરૂરી છે, જેથી દેશ તેના માટે તૈયાર રહી શકે, એમ તેમણે જણાવ્યું હતું.
જનરલ ચૌહાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કહેલી વાતો યાદ કરતા કહ્યું કે, ઑપરેશન સિંદૂર પછી મોદીજીએ જણાવ્યું છે કે ભારત પરમાણુ ધમકીઓથી ડરશે નહીં. તેમણે કહ્યું કે ભલે પરમાણુ હથિયારોના ઉપયોગની સંભાવના ઓછી છે, પરંતુ સુરક્ષિત વ્યૂહરચનામાં સમાવેશ કરવો જરૂરી છે. રેડિયોલોજિકલ પ્રદૂષણના ઉપચાર માટે અલગ પ્રોટોકોલ તૈયાર કરવા જોઈએ અને તેને તાલીમનો ભાગ બનાવવો જોઈએ, જે આવા હુમલાઓને અટકાવવામાં મદદરૂપ થશે.
આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે’ CDS અનિલ ચૌહાણે આવું કેમ કહ્યું?
જનરલે સશસ્ત્ર બળોમાં એકતા અને મેડિકલ ડેટાની સુરક્ષાના મહત્વ પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે આજના ડેટા-આધારિત યુદ્ધમાં મેડિકલ માહિતીની રોલ-બેઝ્ડ એક્સેસ અને એન્ક્રિપ્શન ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેની માહિતી દુશ્મનને લાભ આપી શકે છે. મિલિટરી નર્સિંગ સર્વિસ 1926માં સ્થાપિત થઈ હતી અને તે ભારતીય સશસ્ત્ર બળોનો મહત્વપૂર્ણ ભાગ છે, જે યુદ્ધો, માનવીય મિશન અને તબીબી અભિયાનમાં યોગદાન આપે છે.