બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર અંગે ભારતીય વિદેશ મંત્રાલયે ‘ભ્રામક પ્રચાર’ અને લઘુમતીઓની સુરક્ષા અંગે વ્યક્ત કરી ગંભીર ચિંતા

નવી દિલ્હીઃ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા બાંગ્લાદેશમાં લઘુમતીઓ (હિંદૂઓ) પર થઈ રહેલા હુમલાઓ વિશે ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે નવી દિલ્હીમાં ઉચ્ચાયોગ સામે થયેલા પ્રદર્શન અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ભારતીય વિદેશ મંત્રાલય (MEA)એ બાંગ્લાદેશી મીડિયાના ‘ભ્રામક પ્રચાર’ની ટીકા કરી હતી.
એકબાજુ બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યાં છે અને સામે બાંગ્લાદેશી મીડિયા પણ ખોટા અને ભ્રામક સમાચાર ફેલાવે છે. બાંગ્લાદેશમાં જે પ્રકારે અત્યારે હિંસા ભડકેલી છે તેના માટે ખૂદ બાંગ્લાદેશ જ જવાબદાર છે તેમ છતાં પણ ત્યાં લઘુમતીઓ પર હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે.
‘ભ્રામક પ્રચાર’ની વિદેશ મંત્રાલયે નિંદા કરી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું કે, 20 ડિસેમ્બરે નવી દિલ્હીના બાંગ્લાદેશ ઉચ્ચાયોગ સામે માત્ર 20-25 યુવાનો એકઠા થયા હતા. તેઓએ મૈમનસિંહમાં દીપુ ચંદ્રદાસની ક્રૂર હત્યાનો વિરોધ કર્યો અને બાંગ્લાદેશમાં તમામ લઘુમતીઓની સુરક્ષાની માંગ કરી હતી.
આ દરમિયાન કોઈએ બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો નથી કે સુરક્ષા જોખમમાં મુકવાનો પ્રયત્ન પણ કર્યો નથી. પોલીસે કેટલાક મિનિટોમાં જ ભીડને દૂર કરી દીધી હતી, જે દરેક પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર જોવા મળી શકે છે.
લઘુમતીઓના અધિકારોનું રક્ષણ જરુરી
MEAએ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર વધતા હુમલાઓ, વિનાશ અને મંદિરો પર હુમલાઓ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ભારત વિયેના કન્વેન્શન અનુસાર વિદેશી મિશનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે. બાંગ્લાદેશ સરકારે લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવું જોઈએ તેવી ભારતે અપીલ કરી છે.
ભારતીય અધિકારીઓ બાંગ્લાદેશી પ્રસાશનના સાથે સંપર્કમાં છે અને લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચાર સામે ચિંતા વ્યક્ત કરી છે. એટલું જ નહીં પરંતુ દીપુ ચંદ્ર દાસની હત્યાના આરોપીઓને સત્વરે સજા કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે, જેથી મૃતકના પરિવારને ન્યાય મળી શકે.
આપણ વાચો: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા સાંપ્રદાયિક ન હતાં! યુનુસ સરકારનો દાવો
કોણ હતો દીપુ ચંદ્રદાસ?
બાંગ્લાદેશમાં ભડકેલી હિંસામાં મૈમનસિંહ જિલ્લામાં હિંદુ યુવક દીપુ ચંદ્ર દાસની કરપીણ હત્યા કરીને તેના મૃતદેહને જાહેરમાં બાંધીને સળગાવી દીધો હતો. હિંદુ યુવક દીપુ ચંદ્ર દાસની હત્યાના કેસમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ યુવાન મૈમનસિંહ જિલ્લામાં કપડા ફેક્ટરીમાં કામદાર હતો. બાંગ્લાદેશ પોલીસના જણાવ્યા પ્રમાણે દીપુ પર મોહમ્મદ પયગંબર વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ કેસમાં રેપિડ એક્શન બટાલિયન (RAB) એ સાત લોકોની શંકાસ્પદ તરીકે ધરપકડ કરી છે.



