બેંગલુરુ: કર્ણાટકમાં આજે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક કોંગ્રેસ માટે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. આથી જ એ મુદ્દો અત્યારે ચર્ચાનું કારણ બન્યો છે, પરંતુ આ સાથે જ આ બેઠક વિવાદનું પણ કેન્દ્ર બની છે. હકીકતે આ બેઠકને લઈને જે પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે તેમાનાં એક પોસ્ટરમાં ભારતનો ખોટો નકશો દેખાડવામાં આવ્યો છે. જેને લઈને ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે અને કોંગ્રેસ પર તૃષ્ટિકરણનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો : નવા વર્ષમાં થશે LPG સિલિન્ડરના ભાવથી લઇને GSTમાં થશે શું મોટા ફેરફારો તે જાણો
કોંગ્રેસનું ભારત જોડો સૂત્ર એક ઢોંગ છે
ભાજપના નેતા શેહઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે કોંગ્રેસનું ‘ભારત જોડો’નું સૂત્ર એક ઢોંગ છે. બેલગાવી સંમેલનમાં મૂકવામાં આવેલા આ નકશા પરથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસની માનસિકતા હંમેશા ભારતનાં ટુકડા કરવાની રહી છે. આ માત્ર ભારતની અખંડિતતા પર જ હુમલો નથી, પરંતુ તે તેમના રાજકીય ઇરાદાઓને પણ છતી કરે છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાનું આ મુદ્દે મૌન
વધુમાં તેમણે કોંગ્રેસના આ કૃત્યને ‘અક્ષમ્ય ભૂલ’ ગણાવતા કહ્યું કે કોંગ્રેસે આવું પહેલીવાર કર્યું નથી. તેમણે શશિ થરૂરના ઉલ્લેખ અને જ્યોર્જ સોરોસ વિવાદ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા ખોટા નકશાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ વિવાદ મુદ્દે કોંગ્રેસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. ભાજપના સતત આક્ષેપો છતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ મૌન જાળવી રાખ્યું છે.
બેઠકનું છે ઐતિહાસિક મહત્વ
આજે 26 ડિસેમ્બરનાં રોજ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકનું આયોજન કર્ણાટકના બેલગાવીમાં કરવામાં આવ્યું છે. આ બેઠકનું ખૂબ ઐતિહાસિક મહત્વ છે કારણ કે 100 વર્ષ પૂર્વે 1924માં મહાત્મા ગાંધીએ બેલગાવીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની અધ્યક્ષતા કરી હતી. આથી પાર્ટીએ આ જ જગ્યાએથી CWCની બેઠક બોલાવી છે.
આ પણ વાંચો : Petrol-Diesel Price: આજે બદલી ગયા પેટ્રોલ ડિઝલના ભાવ; જાણો કેટલી છે કિંમત
આ બેઠકમાં કોંગ્રેસ દેશમાં હાલમાં સૌથી વધુ ચર્ચિત મુદ્દાઓ પર તેની યોજના બનાવશે. જેમાં બંધારણનો મુદ્દો, બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ અને મોદી સરકાર દ્વારા અપનાવવામાં આવેલી વિભાજનકારી રાજનીતિ તેમજ ગૃહમંત્રી અમિત શાહનાં નિવેદનનો મુદ્દો સામેલ છે.