ઇન્ટરનેશનલટોપ ન્યૂઝનેશનલ

હવે માલદીવને આવ્યું બ્રહ્મજ્ઞાન, સૈનિકોને તાલીમ આપવાનું ભારત ચાલુ રાખશે…

ભારતના પ્રવાસે આવેલા માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ આજે ​​પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુઈઝુએ માલદીવ્સમાં હનીમધુ ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવેનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન મુઈઝુએ પીએમ મોદીને માલદીવ્સ આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

દ્વિપક્ષીય બેઠક બાદ બંને નેતાઓએ હૈદરાબાદ હાઉસ ખાતે સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત અને માલદીવ્સ વચ્ચેના સંબંધો સદીઓ જૂના છે અને ભારત માલદીવ્સનો સૌથી નજીકનો પાડોશી અને નજીકનો મિત્ર છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આજે અમે પરસ્પર સહયોગને વ્યૂહાત્મક દિશા આપવા માટે વ્યાપક આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારીનું વિઝન અપનાવ્યું છે. વિકાસ ભાગીદારી અમારા સંબંધોનું એક મહત્વપૂર્ણ પાસું છે અને અમે હંમેશા માલદીવ્સના લોકોના હિતોને પ્રાથમિકતા આપી છે.

આ પણ વાંચો : નરેન્દ્ર મોદીનું મંદિર બનાવનાર કાર્યકર્તાએ જ છોડી ભાજપ: ઠાલવી વેદના….

માલદીવ્સમાં ચાલી રહેલા ભારતીય પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘માલદીવ્સની જરૂરિયાત મુજબ આજે 400 મિલિયન યુએસ ડોલરના કરન્સી સ્વેપ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ભારત અને માલદીવ્સ મુક્ત વેપાર કરાર પર વાતચીત શરૂ કરશે. અમે માલદીવ્સમાં આંતરમાળખાના વિકાસ માટે વ્યાપક સહયોગની વાત કરી છે. આજે ભારતના સહયોગથી બનેલા 700 થી વધુ સામાજિક આવાસ એકમોને સોંપવામાં આવ્યા છે. માલદીવ્સે 28 ટાપુઓ પર પાણી અને ગટર યોજનાઓ પૂર્ણ કરી છે. આ પ્રોજેક્ટથી 30 હજાર લોકોને પીવાના શુદ્ધ પાણીની સુવિધા મળશે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘ભારતની નેબરહુડ ફર્સ્ટ પોલિસી અને “સાગર” વિઝનમાં પણ માલદીવ્સનું મહત્વનું સ્થાન છે. ભારતે હંમેશા માલદીવ્સ માટે પ્રથમ પ્રતિભાવકર્તાની ભૂમિકા ભજવી છે. માલદીવ્સના લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓની જરૂરિયાતો પૂરી કરવી હોય, કુદરતી આફતો દરમિયાન પીવાનું પાણી પૂરું પાડવું હોય કે પછી કોવિડ દરમિયાન રસી પૂરી પાડવી હોય, ભારતે હંમેશા પાડોશી તરીકેની જવાબદારી નિભાવી છે.

પીએમ મોદીએ ઉમેર્યું હતું કે, ‘અમે સંરક્ષણ અને સુરક્ષા સહયોગના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી છે. એકતા હાર્બર પ્રોજેક્ટ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. અમે માલદીવ્સના રાષ્ટ્રીય સંરક્ષણ દળોની તાલીમ અને ક્ષમતા નિર્માણમાં અમારો સહયોગ ચાલુ રાખીશું અમે હિંદ મહાસાગર ક્ષેત્રમાં સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરીશું. હાઇડ્રોગ્રાફી અને ડિઝાસ્ટર રિસ્પોન્સમાં સહકાર વધારવામાં આવશે.

આ દરમિયાન મુઈઝુએ કહ્યું હતું કે, ‘અમારા નવા વ્યાપક વિઝન દસ્તાવેજમાં વિકાસ, દરિયાઈ સુરક્ષા, વેપાર ભાગીદારી, ઉર્જા પ્રોજેક્ટ્સ, સ્વાસ્થ્ય વગેરેનો સમાવેશ થાય છે. હું વડાપ્રધાન મોદીને માલદીવ્સની મુલાકાત લેવા આમંત્રણ આપું છું. હું માલદીવ્સને પૂરી પાડવામાં આવેલી તાજેતરની બજેટરી સહાય માટે વડાપ્રધાન મોદી અને સરકારનો આભાર માનું છું. માલદીવ્સની જરૂરિયાતના સમયે ભારત તેની સાથે ઊભું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button