નેશનલ

લોનધારકોને આગામી દિવસો મળી શકે છે રાહત, વ્યાજ દરમાં ઘટાડાના સંકેત

મુંબઈ : દેશના લોનધારકોને આગામી દિવસોમાં રાહતના સમાચાર મળી શકે છે. જેમાં માર્ચ મહિનામાં ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવાનો દર ઘટીને 3.34 પર આવી ગયો હતો. છેલ્લા ઘણા વર્ષોમાં આ સૌથી નીચું સ્તર છે. એસબીઆઈના અહેવાલમાં જણાવાયું છે કે ફુગાવામાં વધુ ઘટાડો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક નાણાકીય વર્ષ 2025-26માં દરમાં લગભગ કુલ 125 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે છે.

સોમવારે એસબીઆઈના અહેવાલમાં જણાવાયું છે કે જૂન અને ઓગસ્ટ મહિનામાં યોજાનારી આરબીઆઇની બેઠકોમાં લગભગ 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે. જ્યારે નાણાકીય વર્ષ 2026ના બીજા ભાગમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે.

રેપો રેટમાં વધુ ઘટાડો શક્ય છે

નોંધનીય છે કે અગાઉ આરબીઆઇ એ વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે દરમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો, જેમાં ફેબ્રુઆરીમાં યોજાયેલી બેઠકમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને એપ્રિલમાં યોજાયેલી બેઠકમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

જૂન- ઓગસ્ટમાં પોલિસી રેટમાં 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો સંભવ

આરબીઆઇ ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માર્ચમાં ફુગાવાનો દર બહુ-વર્ષનો સૌથી નીચો રહ્યો છે અને ભવિષ્યમાં ફુગાવો સામાન્ય રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જૂન અને ઓગસ્ટમાં પોલિસી રેટમાં 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો થઈ શકે છે. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે બીજા ભાગમાં 50 બેસિસ પોઈન્ટનો વધુ ઘટાડો શક્ય છે.

ફુગાવો 67 મહિનાના નીચલા સ્તરે આવી ગયો

એસબીઆઈના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે કેન્દ્રીય બેંકે રેપોમાં અડધા ટકાનો મોટો કાપ મૂકવો જોઈએ કારણ કે તે વધુ અસરકારક રહેશે. અહેવાલમાં જણાવાયું છે કે ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવો ઝડપથી ઘટ્યો છે અને માર્ચ 2025 માં 3.34 ટકાના 67 મહિનાના નીચલા સ્તરે આવી ગયો છે. ખાદ્ય ફુગાવામાં ઝડપી સુધારાને કારણે આ શક્ય બન્યું છે.

ડોલર-રૂપિયાનો વિનિમય દર 85-87 રૂપિયાની રેન્જમાં રહેવાની ધારણા

અહેવાલમાં જણાવાયું છે. કુલ ઘટાડો લગભગ 1.25 ટકા હોઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 0.25 ટકાના ઘટાડાને બદલે, 0.5 ટકાનો ઘટાડો વધુ અસરકારક રહેશે. રિપોર્ટ અનુસાર 2025માં ડોલર-રૂપિયાનો વિનિમય દર 85-87 રૂપિયાની રેન્જમાં રહેવાની ધારણા છે.

આ પણ વાંચો…લોન લેવામાં ગેરરીતિઃ ભાજપના રાધાકૃષ્ણ વિખે-પાટીલ સહિત અન્ય ૫૩ સામે ગુનો નોંધાયો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button